માસ્ક પહેરવાનું કહેતા યુવકે ગુસ્સામાં પોલીસની ફેંટ પકડી, કહ્યું- ‘માસ્ક પહેરવું નથી, થાય તે કરી લે’
અમદાવાદ: કોરોના મહામારીને કારણે માસ્ક પહેરવું ફરજિયાત બન્યું છે. ત્યારે માસ્ક ન પહેરનાર લોકો પાસેથી પોલીસ દંડ વસુલી રહી છે. માસ્ક ન પહેરનારને પોલીસ તે વ્યક્તિના સ્વાસ્થય માટે માસ્ક પહેરવા માટે જણાવતી હોય છે. છતાંય અનેક લોકો પોલીસ સાથે ઘર્ષણ કરતા હોવાના 50થી વધુ કિસ્સા સામે આવ્યા છે. બીજીતરફ પોલીસ પણ પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે સતત ફિલ્ડમાં રહી લોકો પાસેથી એક હજાર રૂપિયા દંડ વસુલી રહી છે. પોલીસ સાથે આ બાબતને લઈને વધુ એક ઘર્ષણની ઘટના બની છે.
એક યુવકને માસ્ક પહેરવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો અને પોલીસને “મારે માસ્ક પહેરવું નથી, થાય તે કરી લે” કહી યુવકે પોલીસની ફેટ પકડી લીધી હતી. સમગ્ર મામલે યુવક સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
શહેરના સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ રામસિંહ તેમની ટીમ સાથે સવારે ગાડીમાં ફરજ પર હતા. ત્યારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ત્યારે સાંજના સમયે ડિકેબીન રેલવે ક્રોસિંગ પાસે તેઓની ટીમ આવતા એક યુવક પોતાનું બાઇક લઇને જતો હતો.
આ યુવકે માસ્ક પહેર્યું નહોતું અને ત્યાં પોતાના વાહન સાથે ઉભો હતો. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે માસ્ક પહેરવાનો આદેશ હોવાથી પોલીસે તેને બોલાવ્યો હતો અને માસ્ક કેમ પહેર્યું નથી તેમ પૂછ્યું હતું.