गुजरात

અમદાવાદ ગોડાઉન બ્લાસ્ટ : બે દિવસ પહેલા મારી નોકરી છૂટી ગઇ તો હું બચી ગઇ પણ ભાભીનું મોત થયું અને ભત્રીજી ગંભીર છે

અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર આવેલી ગેરકાયદેસર સાહિલ એન્ટરપ્રાઈઝ નામની કેમિકલ ફેક્ટરીમાં 4 નવેમ્બરનાં રોજ બુધવારે, સવારે 11.22 વાગ્યાની આસપાસ માત્ર 30 સેકન્ડમાં એક પછી એક છ પ્રચંડ બ્લાસ્ટ થતા 12 કર્મચારીઓના કરૂણ મોત નીપજયા છે. જ્યારે 9 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા છે. આ ઇજાગ્રસ્તોની સારવાર એલ. જી. હૉસ્પિટલમાં (L. G Hospital) થઇ રહી છે. ફેકટરીમાં અચાનક બ્લાસ્ટ થતા આસપાસના ચાર ગોડાઉનની છતો ઊંચે હવામાં ઉડીને પડી હતી. જયારે ફેકટરીમાં કામ કરતા 15 જેટલા કર્મચારીઓ ધડાકા થતાની સાથે બહાર નીકળવામાં સફળ રહ્યાં હતા.

મળતી માહિતી પ્રમાણે, ત્યાં મોટાભાગે સોડિયમ હાઈડ્રોસલ્ફાટ કે સોલ્વન્ટનો મોટો જથ્થો સંગ્રહ થયેલો જ્યાં કોઈક કારણસર રાસાયણિક રિએક્શન થતાં જ પ્રચંડ વિસ્ફોટ થયો હોઈ શકે. એફએસએલે ઘટનાસ્થળેથી નમુના ભેગા કરી લીધા છે. ફેક્ટરીના માલિકની સાથે પૂછપરછ કરવામાં આવી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં 24 જેટલી ટીમ તથા NDRFનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમણે મોડી રાત સુધી આશરે નવ કલાક સુધી બચાવ કામગીરી કરી હતી. પોલીસે સાહિલ એન્ટરપ્રાઇઝના હેતલ સુતરિયા અને ગોડાઉન માલિક બુટ્ટા ભરવાડ સામે IPC કલમ 304, એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ફેકટરી માલિક અને ગોડાઉન ભાડે આપનાર બીટુ ભરવાડની અટકાયત કરી હતી.

‘મારી નોકરી છૂટી ગઇ તો બચી ગઇ’

પૂર્વ કર્મચારી પરવીન શેખનાં જણાવ્યાં પ્રમાણે, બે દિવસ પહેલાં મારી નોકરી છૂટી ગઈ હોવાથી હું બચી ગઈ છું. પરંતુ આ ફેકટરીમાં મારા ભાભી અને ભત્રીજી કામ કરતા હતા. આ સાંભળતા જ હું તરત આવી ત્યારે ખબર પડી કે, મારા ભાભી નઝમુનિસા શેખનું મોત નિપજયુ છે. જયારે ભત્રીજી રિજવાનાની ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.

Related Articles

Back to top button