गुजरात

અમદાવાદનાં ફાઇનાન્સરનો વડોદરામાં આપઘાત, ભાગીદાર સહિત 10 લોકોને કારણે ટૂંકાવ્યું જીવન

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી અમિટી હોટલમાં અમદાવાદના આધેડે મંગળવારે સવારે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. જેમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. ફાયનાન્સર તરીકેનો વ્યવસાય કરનાર મૃતક અલ્પેશભાઇ નાનજીભાઇ પટેલની કારમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેના આધારે પોલીસે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં સ્ટ્રેલર કોમ્પલેક્ષમાં ઓફિસ ધરાવતા નરેન્દ્રસિંહ વાઘેલા સહિત દસની સામે વડોદરાના સયાજીગંજ પોલીસ મથકમાં ફરીયાદ દાખલ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડોદરાની અમિટી હોટલમાં ફાંસો ખાધો હોવાની ઘટના બાદ મૃતક વ્યક્તિના ફોન પર રાત્રે તેમના દીકરાનો ફોન આવ્યો હતો. તે સમયે વડોદરા પોલીસે આપઘાતની ઘટનાની વાકેફ કરતાં અમદાવાદના બોપલ વિસ્તારમાં પ્રાગટ્ય રેસીડેન્સી ખાતે રહેતો તેમનો પરિવાર વડોદરા દોડી આવ્યો હતો. મૃતક અલ્પેશભાઇ નાનજીભાઇ પટેલની કારમાંથી આ દરમિયાન પોલીસને એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જે ચીઠ્ઠીમાં તેમણે 10 લોકોનાં નામ લખ્યાં હતા, જે તેમને હેરાન કરતા હોવાથી થાકીને આપઘાત કર્યો હતો તેમ જણાવાયું છે.

ચિઠ્ઠીમાં લખાયેલા નામો

– નાગાર્જુનભાઈ (રહે. અમદાવાદ)

– ભરતભાઈ ભૂતિયા (રહે. અમદાવાદ)

– નરેન્દ્રસિંહ વાઘેલા (રહે. અમદાવાદ)- મેઘરાજભાઈ (રહે. અમદાવાદ)

– અનિરુદ્ધસિંહ (રહે. અમદાવાદ)

– મુકેશભાઈ વાઘેલા (રહે. અમદાવાદ)

– લાલો વાઘેલા (રહે. અમદાવાદ)

– લકી વાઘેલા (રહે. અમદાવાદ)

– ભરતસિંહ જોધા (રહે. અમદાવાદ)

– અમિત ખુંટ (રહે. અમદાવાદ)

મૃતકે સ્યુસાઇડ નોટમાં જણાવ્યું છે કે, લોકડાઉનમાં પેમેન્ટ આવતુ નથી, બે એક મહીના પહેલા બે કરોડ એકતાલીસ લાખ આ લોકોને આપ્યા હતા. ત્યાર પછી મને વારે વારે દબાણ કરી રહ્યા છે. મારી નાંખવાની ધમકી આપે છે. છોકરાઓને મારી નાંખવાનુ કહે છે. મારા ભાગીદાર નરેન્દ્રસિંહ વાઘેલા જ જવાબદાર હોવાનું જણાવતાં લખ્યુ છે, તેઓ મને બહુ માનસિક ત્રાસ આપે છે. બે કરોડ કમાઇને બેઠો છે અને મને સાથ સહકાર આપતો નથી. એટલે હું આત્મહત્યા કરવા જઇ રહ્યો છું. અંતમા તેમના પત્ની જયાબેનને ઉલ્લેખીને કહ્યું છે કે, આ લોકોને છોડતી નહી બહુ પૈસા કમાઇને લઇ ગયા છે.

મૃતકના પત્ની જયાબેન અલ્પેશભાઇ પટેલની પ્રાથમિક પૂછપરછના આધારે પોલીસે જયાબેનની ફરિયાદ પ્રમાણે દસે આરોપીની સામે ગુનો દાખલ કર્યો છે. મંગળવારે મોડી રાતે અલ્પેશભાઇનો પરિવાર વડોદરા આવી પહોંચ્યા બાદ પોલીસે મૃતકના ભાઇ પાસેથી પ્રાથમિક વિગતો મેળવીને આપઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

મંગળવારે પણ અલ્પેશભાઇના પરિવારને મળી હતી ધમકી

મૃતક અલ્પેશભાઇ પટેલની પત્ની જયાબેને પોલીસ ફરીયાદમાં જણાવ્યુ હતું કે, મંગળવારે બપોરે બે વાગ્યાની આસપાસ નાગાર્જુનભાઇ અને તેમના માણસો અમારા ઘેર આવ્યા હતા. તેઓએ મારા દીકરાને જણાવ્યુ હતુ કે, તારા પિતા ક્યાં છે? તેની સાથે વાત કરાવ. જેથી દીકરાએ પિતા બહાર ગયા હોવાનું જણાવતા ઉશ્કેરાઇને જણાવ્યુ હતુ કે, સાંજ સુધી તારા પિતાને વાત કરાવ નહી તો તને તથા મારી માતા અને બહેનને ઉંચકીને લઇ જઇશું.

Related Articles

Back to top button