હાઇકોર્ટનો આદેશ : સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનારા નેતા પાસેથી દંડ વસૂલે સરકાર
ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે રાજકીય રેલીઓ અને જમાવડા સામે લાલ આંખ કરી છે. ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો કરીને જાહેર હિતની અરજીના આધારે આવા રાજકીય નેતાઓ સામે કડક કાર્યવાહી અને સખત દંડ વસૂલવા માટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે. રાજકોટનો રેમીડેસીવીર ઇન્જેક્શનના કાળાબજાર અંગે સરકારે કરેલી કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરાયો ત્યારે કોર્ટે સરકારને આ ટકોર કરી હતી.
માસ્ક વગર રાજકીય રેલીઓ અને સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવ આ સંદર્ભમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે સરકારી વકીલને આ મામલે કડક કાર્યવાહી કરવા ટકોર કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વારંવાર ટકોર છતાં સરકાર જવાબદારો સામે પગલા કેમ નથી લઇ રહી. અનલોકમાં રાજ્ય સરકારે નિયંત્રણો હળવાં કર્યાં. જે બાદ મોટી મોટી રાજકીય રેલીઓ થવા લાગી અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન ન થયું.
રાજકોટમાં રેમીડેસીવીર ઇન્જેશનનું મોટાપાયે કાળાબજાર થતું હોવાના અહેવાલો ધ્યાને આવતા હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસેથી આ અંગે જવાબ માગ્યો હતો. જેમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો કે, રાજકોટમાં ઇન્જેક્શનનું કાળા બજાર કરનારા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.