સાવલી: પાછાત જાતિની મહિલાઓને ગરબામાં રમવા ન દેતા હોબાળો, મહિલા સહિત ચારની ધરપકડ

સાવલી: તાલુકાના પીલોલ ગામે પછાત જાતિની મહિલાઓને માતાજીના મંદિરના ચોકમાં યોજાતા સાર્વજનિક ગરબા મહોત્સવમાં ગરબા રમતા અટકાવવામાં આવી છે. આ બનાવમાં ત્રણ પુરુષ અને એક મહિલા મળી કુલ ચાર સામે એટ્રોસિટિ એક્ટ મુજબ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, આ બનાવ બાદ, ગામમાં ભારે હોબાળો મચી ગયો હતો. જે બાદ એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
કોણે કર્યો હોબાળો?
સાવલી પોલીસ મથકમાં વિનોદ મોહનભાઈ હરિજને(રહે.પીલોલ, તા.સાવલી) આ અંગેની ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, પીલોલ ગામના ચોકમાં સામૂહિક ગરબાનું આયોજન થાય છે. જેમાં ત્રીજા નોરતાએ મારા ભત્રીજાની પત્ની પદ્માબેન યોગેશભાઈ હરિજન તેમજ તેમની ભત્રીજી તૃપ્તિ (રહે.પીલોલ,તા.સાવલી) ગરબા રમવા ગયા હતાં. તે સમયે હું પોતે પણ ગરબા જોવા માટે ગયો હતો. મારા ભત્રીજાની પત્ની પદ્માબેન અને તૃપ્તિનો ગરબાનો એક રાઉન્ડ પૂરો થયા બાદ હોબાળો મચ્યો હતો. આ બંને સાથે ગરબા રમતા તારા લાલાભાઇ પરમાર નામની મહિલાએ પદ્મા અને તૃપ્તિને ગરબા રમતી જોઈને કહ્યુ હતું કે, તમારાથી અમારી સાથે ગરબા ન રમાય.