રાજકોટમાં સપ્ટેમ્બરમાં કોરોનાથી મરનારની સંખ્યા કેટલી? તંત્રનાં અને સ્મશાનગૃહોનાં આંકડામાં મસમોટો ફેર
રાજકોટમાં કોરોનાવાયરસનો કહેર ચિંતા ઉપજાવનારો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં બુધવારે 151 લોકોને કોરોના પોઝિટિવ જાહેર કરાયા છે. જ્યારે સારવાર દરમિયાન વધુ 15 દર્દીનાં મોત થયા છે. જોકે, સરકારી ચોપડામાં છેલ્લા થોડા દિવસોમાં રાજકોટમાં મૃત્યુંઆક ઘટ્યાનાં દાવા કરવામાં આવી રહ્યાં છે. કોવિડથી મરનારનાં અંતિમસંસ્કાર માર્ગદર્શિકા પ્રમાણે કરવામાં આવે છે તેવો નિયમ છે. આ અંગે શહેરનાં સ્મશાનગૃહનાં કોરોનાથી મૃત્યું પામનારનાં આંકડા કરતા સરકારી ચોપડે નોંધાયેલા આંકડા બંન્ને વચ્ચે ઘણો જ ફરક જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, રાજકોટમાં સરકારી ચોપડે કોરોનાને કારણે 25 લોકોનાં મોત થયાનું નોંધાયુ છે જ્યારે સ્મશાનગૃહોમાં 600થી પણ વધુ લોકોના મોત થયાનું નોંધાયું છે.
સ્મશાનગૃહોનાં આંકડા
રાજકોટમાં સ્મશાનગૃહ પાસેથી મળતા આંકડા ઘણાં જ ચિંતાજનક છે. જો તેની પર નજર કરીએ તો, જૂન મહિનામાં બાપુનગરમાં 1 અને મૃક્તિધામમાં 20 લોકોનાં અંતિમ સંસ્કાર થયા છે. જુલાઇ માસમાં બાપુનગરમાં 23 અને મુક્તિધામમાં 102, ઓગસ્ટ મહિનામાં બાપુનગરમાં 104 અને મુક્તિધામમાં 334 લોકોનાં કોરોનાની માર્ગદર્શિકા પ્રમાણે અંતિમ સંસ્કાર થયા છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ બાપુનગરમાં 261 અને મુક્તિધામમાં 365 લોકોનાં કોરોના પ્રમાણે મોત નીપજ્યાં છે. જ્યારે રાજકોટનાં તંત્રનાં સરકારી ચોપડે ઘણાં ઓછા મૃત્યુ દર્શાવવામાં આવ્યાં છે.
રાજકોટમાં બુધવારે નોંધાયેલા આંકડા
રાજકોટ શહેર અને જિલ્લામાં બુધવારે પણ રાબેતા મુજબ 151 લોકોને કોરોના પોઝિટિવ જાહેર કરાયા છે. જ્યારે સારવાર દરમિયાન વધુ 15 દર્દીનાં મોત થયા છે. મંગળવારે 8 દર્દીનાં મોત થયા હતા તેમાં માત્ર એક જ મોત કોવિડથી થયું હોવાનો ઓડિટ કમિટીના રિપોર્ટમાં જાહેર કરાયું હતુ. રાજકોટ શહેરમાં બુધવારે બપોર સુધીમાં 45 પોઝિટિવ જાહેર કર્યા હતા અને સાંજે વધુ 60 એમ કુલ 105 લોકોને પોઝિટિવ તરીકે જાહેર કરાયા હતા. રાજકોટ મહાનગરપાલિકાના વધુ એક કર્મચારી કોરોના સામેની લડાઇ હારી ચૂક્યા છે. સારવાર દરમિયાન ઓડિટ શાખાના કર્મચારીનું મોત થયું છે.