અમદાવાદ: પતિના અન્ય બે મહિલા સાથે આડાસંબંધ અને સાસરિયાંના ત્રાસથી પરિણીતાનો આપઘાત
અમદાવાદ: શહેરમાં ઘરેલુ હિંસા ના બનાવોએ જાણે કે માજા મૂકી દીધી હોય તેમ લાગી રહ્યું છે. દરરોજ મહિલાઓ પર અત્યાચારની અનેક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. વાસણામાં સાસરિયાંના ત્રાસથી કંટાળીને પરિણીતાએ અગ્નિસ્નાન (Suicide) કરી લીધું હતું. જે બાદમાં સારવાર દરમિયાન પરિણીતાનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પરિણીતાના ભાઈને થતાં તેમણે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરાવી છે.
જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા મમતાબેને ૨૮મી સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પરિવારના સભ્યોને જાણ થતાં તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. પરિણીતાના ભાઈને સમગ્ર બાબતની જાણ થતાં તેઓ પણ તાત્કાલિક અમદાવાદ આવી પહોંચ્યા હતાં અને મૃતકના પતિ અને સાસરિયાં વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસના આરોપ સાથે ફરિયાદ દાખલ કરાવી છે.