‘મને હજુ પણ વિશ્વાસ નથી થઈ રહ્યો…’, ટ્રમ્પની ગ્રીનલેન્ડ પચાવી પાડવાની તૈયારી પર મેલોનીનું નિવેદન | Trump Revives Greenland Takeover Claim After Military Action Italy PM Meloni Reacts

![]()
Greenland Issue: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખનિજ સમૃદ્ધ ટાપુ ગ્રીનલેન્ડને કોઈપણ કિંમતે અમેરિકામાં ભેળવવા માટે મક્કમ છે. ટ્રમ્પની આ આક્રમક નીતિ પર તેમના નજીકના સાથી ગણાતા ઈટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ મહત્ત્વની પ્રતિક્રિયા આપી છે. મેલોનીએ સ્પષ્ટ કર્યું છે કે ‘ગ્રીનલેન્ડ મુદ્દે કોઈપણ પ્રકારની લશ્કરી કાર્યવાહી નાટો (NATO) ના ભવિષ્ય માટે ગંભીર પરિણામો લાવી શકે છે.’
‘મને હજુ વિશ્વાસ નથી થતો’: મેલોની
એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યોર્જિયા મેલોનીએ ટ્રમ્પ વહીવટીતંત્રની વ્યૂહનીતિ અંગે આશ્ચર્ય અને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ‘ગ્રીનલેન્ડમાં સૈન્ય બળનો ઉપયોગ કોઈના હિતમાં નથી. મને હજુ પણ વિશ્વાસ નથી થતો કે અમેરિકા નિયંત્રણ મેળવવા લશ્કરી પગલાં લેશે. ઇટાલી આવા કોઈ પણ પગલાનું સમર્થન કરશે નહીં.’
ઈટાલીના PMએ સ્વીકાર્યું કે આર્કટિક ક્ષેત્રમાં અન્ય વિદેશી શક્તિઓની સક્રિયતાને કારણે અમેરિકા પોતાની સુરક્ષા માટે આક્રમક અભિગમ અપનાવી રહ્યું છે. તેમણે ભાર મૂક્યો હતો કે આ પ્રદેશમાં નાટોની મજબૂત હાજરી જ અમેરિકાની વિરોધી દળો સામેની ચિંતાઓ દૂર કરી શકે છે. નોંધનીય છે કે, જ્યોર્જિયા મેલોની, જેઓ ટ્રમ્પ અને યુરોપિયન યુનિયન વચ્ચે મધ્યસ્થી તરીકે ઓળખાય છે, તેમના આ નિવેદનથી અમેરિકા અને યુરોપ વચ્ચેના સંબંધોમાં તણાવ વધવાની શક્યતા દેખાઈ રહી છે.
આ પણ વાંચો: ‘રેર અર્થ’ના ખેલમાં ચીનને મોટો ઝટકો આપવાની તૈયારી! અમેરિકાનું ભારતને ખાસ આમંત્રણ
શા માટે ટ્રમ્પ ગ્રીનલેન્ડ પાછળ પડ્યા છે?
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે યુરોપિયન દેશો સંમત થાય કે ન થાય, અમેરિકા ગ્રીનલેન્ડ હસ્તગત કરશે. ટ્રમ્પ માને છે કે જો અમેરિકા ગ્રીનલેન્ડ પર કબજો નહીં કરે, તો રશિયા કે ચીન ત્યાં પોતાનો પ્રભાવ વધારી શકે છે. અમેરિકા તેના પડોશમાં આ બે શક્તિઓને સહન કરવા માંગતું નથી. આ ઉપરાંત ગ્રીનલેન્ડ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોવાની સાથે અત્યંત ખનિજ સમૃદ્ધ ટાપુ છે.
અહેવાલો અનુસાર, અમેરિકી વહીવટીતંત્ર ગ્રીનલેન્ડ પર ફરીથી નિયંત્રણ મેળવવા માટે લશ્કરી કાર્યવાહી જેવા વિકલ્પો પર પણ વિચાર કરી રહ્યું છે, જે હાલ નાટો સાથી ડેનમાર્કનો ભાગ છે.
યુરોપિયન દેશો એકજૂથ થયા
ટ્રમ્પની આ જાહેરાત બાદ યુરોપના શક્તિશાળી દેશોએ ગ્રીનલેન્ડની સાર્વભૌમત્વની રક્ષા માટે ડેનમાર્કને ટેકો જાહેર કર્યો છે. બ્રિટન, ફ્રાન્સ, જર્મની, પોલેન્ડ અને સ્પેનના નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગ્રીનલેન્ડ પર ડેનમાર્કના દાવા સાથે ઊભા છે.

