આજથી 5 દિવસ માટે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર સોશિયલ ડિસ્ટન્સ સાથે શરૂ થશે
કોરોના મહામારીનાં સંકટ વચ્ચે આજથી, સોમવારથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર પાંચ દિવસ માટે મળશે. કોરોનાને કારણે આપણી લાઇફસ્ટાઇલમાં ઘણો ફેર આવ્યો છે તેવી જ રીતે વિધાનસભામાં પણ પહેલીવાર મુખ્યમંત્રી સહિત ધારાસભ્યોને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન કોઇ મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સત્ર શરૂ થતા પહેલા મંત્રીઓ સહિત તમામ ધારાસભ્યોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. આ ટેસ્ટમાં કૉંગ્રેસનાં ચાર અને ભાજપનાં બે ધારાસભ્યોના કરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
સત્ર પહેલા કરાયેલા ટેસ્ટમાં કોણ આવ્યું કોરોના પોઝિટિવ
વિધાનસભા સંકુલમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો માટે ટેસ્ટીંગ હાથ ધરાયું હતું. એમાં મંત્રીમંડળના સભ્યો સહિત 80 ધારાસભ્યોના ટેસ્ટ કરાયા હતા. ટેસ્ટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નેગેટીવ આવ્યા હતા. એમાં સાણંદના કનુ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે ભાજપના સાણંદના ધારાસભ્ય કનુ પટેલ પોઝીટીવ અને કોંગ્રેસના 3 ધારાસભ્ય વ્યારાના પુના ગામિત, ધાનેરાના નાથા પટેલ અને લાઠીના ધારાસભ્ય વિરજી ઠુંમરનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ અગાઉ ભાજપના સૌરાષ્ટ્રના રાઘવજી પટેલ, ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી પોઝિટિવ આવી ચૂક્યા છે. કચ્છમાં ડો. નીમાબેન આચાર્ય પણ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. આ પહેલાં ભાજપ અને કોંગ્રેસના લગભગ બે ડઝનથી વધુ સભ્યો સંક્રમિત થઇ ચૂક્યા હતા.