આમોદ તાલુકાના રોધ ગામે વીજળી પડતા ખેતરમાં ભેંસ ચરાવતી વિધવા મહિલા સખત ઇજાગ્રસ્ત. મહિલા હાલ આમોદ આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ
Anil Makwana
આમોદ
રિપોર્ટર – જાવીદ મલેક
આમોદમાં સાંજના સમયે કડાકા ભડાકા કરતી વીજળી સાથે વરસાદ પડ્યો હતો. આમોદ તાલુકાના રોધ ગામની એક વિધવા મહિલા ઉપર વીજળી પડતા સખત દાઝી જતા આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી. આમોદ પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આજ રોજ આમોદ ખાતે કડાકા ભડાકા સાથે વરસાદ સાથે વીજળી પડી હતી આમોદ તાલુકાના રોધ ગામે રહેતા જશોદાબેન ઠાકોરભાઈ વસાવા જેઓ વિધવા છે અને તેમને બે છોકરાંઓ પણ છે. જેમાંથી એક બાળક અસ્થિર મગજનું છે. તેમજ જશોદાબેન ભેંસ પાળીને પોતાનું તથા પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે. આજ રોજ તેઓ સાંજના સમયે ખેતરના ભેંસો ચરાવતા હતા ત્યારે કડાકા ભડાકા સાથે વીજળી પડતા તેઓના શરીરનો જમણી બાજુનો જમણા ખભાથી લઈ પગ સુધીનો ભાગ દાઝી ગયો હતો અને તેમણે પહેરેલા કપડાં પણ ફાટી ગયા હતા.જેમને રોધ ગામે ખેતરમાંથી ટ્રેકટર મારફતે ગામમાં લાવ્યા હતા ત્યારબાદ ૧૦૮ મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લાવવાવમાં આવ્યા હતા. આમોદ પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.