गुजरात

ગુજરાતનાં રિક્ષાચાલકોને આત્મનિર્ભર યોજના હેઠળ લાભ આપવા રાજ્ય સરકારને આદેશ, નિયમો હળવા થશે

કોરોના મહામારીને કારણે અનેક લોકોના રોજગાર ધંધા ઠપ્પ જેવા થઇ ગયા છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે રાજ્યના રિક્ષા ચાલકો માટે મહત્વનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને રિક્ષા ડ્રાઇવરોની મદદ માટે પગલાં લેવા કહ્યું છે અને આત્મનિર્ભર યોજના હેઠળ રિક્ષા ચાલકોને લાભ મળે તે જરૂરી હોવાનું કહ્યું હતું. રાજ્યના રિક્ષા ડ્રાઇવરો માટે સરકાર તરફથી આર્થિક સહાય અંગે રિટ કરાઇ હતી. જેમાં હાઇકોર્ટે હકારાત્મક વલણ અપનાવી સરકારને આ અંગે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

ફક્ત 820 ઓટોરિક્ષા ચાલકોને જ લોન આપવામાં આવી છે

હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન આત્મનિર્ભર સહાયના નામે એક લાખ રૂપિયા આપવાની યોજના બાબતની પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારની આ સહાય આપવાના નીતિ નિયમો હળવા કરવા અને સામાન્ય વ્યક્તિને લોન મળી રહે તે બાબતે એવું ધ્યાન રાખી નિયમ હળવા કરવા જણાવ્યું હતું. પરંતુ રાજ્ય સરકારે પણ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે, ગુજરાત રાજ્યના સાડા આઠ લાખ ઓટો રિક્ષા ચાલકોમાંથી આત્મનિર્ભર સહાય યોજનામાં ફક્ત 820 ઓટોરિક્ષા ચાલકોને જ લોન આપવામાં આવી છે.

ઓટો રિક્ષા ડ્રાઈવર યુનિયન દ્વારા રીટ પિટિશન પી.આઈ.એલ કરાઇ

જાગૃત ઓટો રિક્ષા ડ્રાઈવર યુનિયન અમદાવાદ અને અમદાવાદ રેલ્વે સ્ટેશન ઓટો રિક્ષા ડ્રાઇવર યુનિયન વતી એડવોકેટ કે.આર. કોષ્ટી દ્રારા નામદાર હાઇકોર્ટ ઓફ ગુજરાત ખાતે રીટ પિટિશન પી.આઈ.એલ માં સિવિલ અરજી દાખલ કરવામાં આવી હતી. જે બાબતે આજરોજ સુનાવણીમાં અમારા વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, આપણા દેશના અન્ય રાજ્યો જે રીતે ઓટો રીક્ષા ચાલકોની આર્થિક મદદ કરી છે એ રીતે ગુજરાત રાજ્ય પણ ઓટોરિક્ષા ચાલકોને આર્થિક મદદ કરવી જોઈએ. તેવી અરજદાર દ્વારા રાજ્ય સરકારને વારંવાર આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. પણ તેઓની રજુઆત પ્રત્યે કોઈ પણ પ્રકારની નિર્ણય લેવામાં આવેલ નથી. ત્યારે રાજ્ય સરકારના દ્વારા એમ જણાવવામાં આવ્યું હતું કે, અમે તેમની રજૂઆત ધ્યાને લીધેલ છે પરંતુ આ બાબત ખોટી છે.

Related Articles

Back to top button