નરેન્દ્ર મોદીના જન્મ દિવસે નર્મદાના નીરના ઇ-વધામણા, સરદાર સરોવર ડેમ છલોછલ ભરાયો
ગુજરાતનો જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઇ ગયો છે. આજે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદાના નીરના વધામણા કર્યા છે. નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમનાં ત્રણ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ નર્મદા ડેમને છલોછલ ભરીને રાજ્ય સરકારે PM મોદીને તેમના જન્મદિને ભેટ અપી છે. સરદાર સરોવર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની ઓફિસેમાંથી નર્મદા મૈયાનું ઇ-પૂજન કર્યું છે. આ સાથે નર્મદા બંધ પર નર્મદા નિગમ દ્વારા વિશેષ પૂજા અને નર્મદા બંધના વધામણા કરવામાં આવ્યા છે.
‘ડેમ માટે પીએમ મોદીએ ઉપવાસ આંદોલન પણ કર્યા’
નર્મદા મૈયાનું ઇ-પૂજન બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતનાં લાડીલા પીએમ મોદીને જન્મદિનની શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઇનું સપનું હતુ કે નર્મદા નદી પર ડેમ બને અને લોકોને પીવાનું પાણી, સિંચાઇ, પશુપંખી માટે પાણી, ખેતી માટે પાણી મળે તે માટે, નર્મદા ગુજરાતની જીવાદોરી છે અને આની પર ડેમ ઝડપથી બનવો જોઇ. પરંતુ જ્યારે નરેન્દ્રભાઇ મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા અને એમને આ બીડુ ઝડપ્યું જરૂર પડ્યે ઉપવાસ આંદોલન પણ કર્યા. સાત વર્ષ સુધી યુપીએની સરકારે ડેમના દરવાજા પણ ચઢાવવાની પણ મંજૂરી આપી ન હતી. સદનસીબે નરેનદ્રભાઇ વડાપ્રધાન બન્યા અને ડેમનાં દરવાજા ચઢાવવાની અને બંધ કરવાની મંજૂરી આપી. ગયે વર્ષે આપણે પણ ડેમને છલોછલ ભરવાની મંજૂરી આપી હતી. જેના ફળસ્વરૂપે કચ્છ, સૌરાષ્ટ્ર અને બનાસકાંઠાનાં છેવાડાના ગામો સુધી 700 કિમી દૂર સુધી મા નર્મદાના પાણીને પહોંચાડીને આપણે ગુજરાતની જનતાને તૃપ્ત કરી શક્યા છે. આજે ફરી વખત 338 મીટરથી છલોછલ ડેમ ભરાયો છે.