હાય રે કળિયુગ! ગર્ભવતી પુત્રવધુ કામ ન કરે તો સસરા એસિડ નાખી મારી નાખવાની ધમકી આપતા
અમદાવાદ : નવા નરોડા ખાતે રહેતી એક પરિણીતાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાનો આક્ષેપ છે કે, તે ગર્ભવતી હતી ત્યારે તેના સાસરિયાઓ ત્રાસ આપતા હતા. એટલું જ નહીં તે કામ ન કરે તો તેના સસરા એસિડ પીવડાવી મારી નાંખવાની ધમકી આપતા હતા. સમગ્ર બાબતને લઇને પોલીસ ફરિયાદ નોંધાવતા કૃષ્ણનગર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
નવા નરોડા ખાતે રહેતી 24 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2019માં થયા હતા. લગ્ન બાદ સાસરિયાઓએ થોડા સમય સુધી સારી રીતે પરિણીતાને રાખી હતી. પરંતુ બાદમાં નાની-નાની વાતે ટોકવાનું ચાલુ કરી કરિયાવરમાં કઈ લાવી નથી તેમ કહી ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. લગ્નના બીજા મહિનામા આ પરિણીતા ગર્ભવતી થઈ હતી અને તેની તબિયત સારી રહેતી ન હતી. તેમ છતાં પરિણીતાની સાસુ ઘરના કામ કરાવતી હતી અને તેના સસરા કામ નહીં કરે તો એસિડ પીવડાવીને મારી નાખશે તેવી ધમકી આપતા હતા. જેથી પરિણીતાએ તેના માતા-પિતાને આ બાબતે જાણ કરી હતી.
જોકે, ત્યારબાદ વર્ષ 2019ના જુલાઈ માસમાં પરિણીતાનું સીમંત કર્યું હતું અને બાદમાં તેના પિયર ગઈ હતી થોડા સમય બાદ પરિણીતાએ દીકરાને જન્મ આપ્યો હતો. ત્યારબાદ પણ તેના સાસરિયાઓએ દહેજની માગણી કરી અને તેને ત્રાસ આપવાનું યથાવત રાખ્યું હતું.