અમદાવાદ: યુવતીએ સગાઈ તોડી નાખતા ગુસ્સે ભરાયેલા યુવકે તેના ઘરે પહોંચીને ગાળો ભાંડી
અમદાવાદ: શહેરના ખાડિયા વિસ્તાર માં રહેતી એક યુવતી તેના ઘરે હતી. આ સમયે તેની સગાઈ જે યુવક સાથે તૂટી ગઈ હતી તે યુવક તેના ઘરે આવ્યો હતો. યુવકે ઘરની નીચે ઊભા રહીને જોરજોરથી અપશબ્દો બોલી યુવતીને મારી નાખવાની તેમજ તેની જે યુવક સાથે સગાઈની વાત ચાલે છે તેને પણ મારી નાખવાની ધમકી (Death Threat)ઓ આપી હતી. આટલું જ નહીં યુવકે ત્યાં પડેલી ગાડીઓનાં કાચ પણ ફોડી નાખ્યા હતા. સમગ્ર બાબતને લઈને ખાડીયા પોલીસ સ્ટેશન (Khadia Police Station)માં ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે. ગઇકાલે મોડી રાત્રે અગાઉ તેની જે યુવક સાથે સગાઇ થઇ હતી તે તેના મિત્ર સાથે તેના ઘરે આવ્યો હતો. યુવકે યુવતીનાં ઘરની નીચે ઊભા રહી જોરજોરથી બૂમો પાડી ગાળો બોલી હતી. યુવકે તમામ લોકોની હાજરીમાં કહ્યુ કે, તું બીજા સાથે લગ્ન કરીશ તો તને જાનથી મારી નાખીશ.’ આ પ્રકારની ધમકી આપી તેણે જાહેરમાં ઝઘડો કરતો હતો.
જોકે, યુવતીએ મામલો બીચકે નહીં તે માટે ઘરમાં જ બેસી રહી હતી. જેથી યુવક વધુ આવેશમાં આવી ગયો હતો અને તેણે નીચે પડેલી ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. સાથે ફરી એક વખત તેને ધમકી આપી કે તારી જે છોકરા સાથે સગાઈની વાત ચાલે છે તેને પણ જાનથી મારી નાખીશ. યુવતીને એવું પણ જણાવ્યું કે તારા મોબાઇલની કોલ ડીટેઇલ કઢાવી વોટ્સએપમાં ફોટો વાયરલ કરી દઈશ.
આ બાબતે યુવતીએ ખાડીયા પોલીસને ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું કે એક વર્ષ પહેલા આ યુવક માથાભારે હોવાથી અને તેનો સ્વભાવ સારો ન હોવાથી યુવતીએ સગાઈ તોડી નાખી હતી. આ કારણે તે ઘરે આવ્યો હતો અને આ પ્રકારની ધમકીઓ આપી તેણે તે વિસ્તાર માથે લીધો હતો. સમગ્ર બાબતને લઈને યુવતીની ફરિયાદના આધારે પોલીસે યુવકની ધરપકડ કરવા તપાસ શરૂ કરી છે.
બનાવ-2 : ‘તારી કુખે દીકરાનો જન્મ થતો નથી તું મારા લાયક નથી’શહેરમાં રહેતી એક પરિણીતા સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ પરિણીતાનો આક્ષેપ છે કે તેનો પતિ તથા સાસરીયાઓ દહેજ માંગી તેને ત્રાસ આપતા હતા. એટલું જ નહીં આ પરિણીતાએ જ્યારે દીકરીને જન્મ આપ્યો ત્યારે તેનો પતિ એવું કહેતો હતો કે “તારી કુખે દીકરો જન્મતો જ નથી, તું મારા લાયક નથી.”