સુરત : રોડ વચ્ચે બેઠેલા ઢોરના ફોટો પાડવા યુવાનને પડ્યા ભારે, બે માથાભારે શખ્સોએ માર્યો માર
સુરતના સરથાણા સિવિલસેઝ સર્કલ પાસે રસ્તા વચ્ચે ટ્રાફિકને અડચણ રૂપ અડીંગો જમાવનાર ઢોરના મોબાઇલમાં ફોટો ક્લિક કરનાર યુવાનને સ્થાનિક વિસ્તારના બે માથાભારે ભરવાડોએ ફોટા ડિલીટ કરાવી માર મારતા મામલો સરથાણા પોલીસ મથકમાં પહોંચ્યો છે.
સુરતમાં જાહેર રોડ પર પશુ બેસેલા જોવા મળે છે અને જેને લઈને કેટલીકવાર અકસ્માત થતા હોય છે. ત્યારે ગતરોજ મહિધરપુરા સ્થિત મીલ પેલેસની જોરી જ્વેલરી ઓફિસમાં નોકરી કરતો મૌલિક વાઘજી ઠુમર મિત્રને મળીને પરત મોટરસાઇકલ પર ઘરે જઇ રહ્યો હતો. તે દરમ્યાન સરથાણા સિવિલસેઝ સર્કલ પાસે રસ્તાની વચ્ચે ઢોર અડીંગો જમાવીને બેઠા હતા. જેથી અકસ્માત થવાનો ભય હોવાથી મૌલિકે પોતાના મોબાઇલમાં ફોટા ક્લીક કર્યા હતા. પરંતુ આ અરસામાં એક યુવાન પાછળથી ઘસી આવ્યો હતો અને ફોટા કેમ પાડે છે એમ કહી મોબાઇલ ઝુંટવી લઇ ફોટા ડિલીટ કરી નાંખ્યા હતા.
ત્યારબાદ તારે જેને બોલાવવા હોય તેને બોલાવી લે એમ કહી યુવાને તેના ભાઇને ફોન કરી બોલાવ્યો હતો. આ બંન્ને યુવાનોને અપશબ્દો ઉચ્ચારી માર મારતા મૌલિક ત્યાંથી ભાગી ગયો હતો અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયો હતો. જેથી તરત જ પોલીસ ઘટના સ્થળે ઘસી ગઇ હતી અને સ્થાનિક વિસ્તારની હોટલના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં માથાભારે પકો મોતીભાઇ રબારી અને સિધ્ધો મોતીભાઇ રબારી હોવાનું જાણવા મળતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.