પાટીલના ઉ. ગુજરાત પ્રવાસમાં પણ સૌરાષ્ટ્ર જેવું જ થયું, કાર્યકર્તાઓએ ભેગા થઇ સોશિયલ ડિસ્ટન્સિંગનાં ઉડાવ્યા ધજાગરા
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગુરુવારથી એટલે આજથી ત્રણ દિવસના ઉત્તર ગુજરાતના પ્રવાસમાં સંગઠન યાત્રાનો આરંભ કર્યો છે. સી.આર. પાટીલે સવારે દાંતાના વિશ્વ પ્રસિદ્ધ અંબાજી ધામ ખાતે દર્શન કરી આ યાત્રાનો આરંભ કર્યો હતો. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર યાત્રા દરમિયાન સ્વાગત અને અન્ય કાર્યક્રમો દરમિયાન કાર્યકરોએ બિનજરૂરી ભીડ ન કરવા, સોશીયલ ડિસ્ટન્સિંગ (Social Distance) અને માસ્ક (mask) પહેરવા જેવી બાબતોને અસરકારક રીતે અનુસરવા પ્રદેશ કચેરી તરફથી સૂચના જારી કરી દેવામાં આવી હતી. પરંતુ આવી સૂચનાઓનું પાલન થયું હોય તેવું દેખાઇ રહ્યું ન હતું. નોંધનીય છે કે, પાટીલનાં સૌરાષ્ટ્ર પ્રવાસમાં પણ મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓએ ભેગા મળીને સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા ઉડાવ્યાં હતા. આટલે ન અટકતા બધાએ ભેગા મળીને ગરબા પણ લીધા હતા, જે બાદ લોકોમાં ઘણી જ ચર્ચા થઇ હતી. આવી જ પરિસ્થિતિ હવે ઉત્તર ગુજરાતનાં પ્રવાસમાં પણ જોવા મળી રહી છે જે ચિંતા ઉપજાવનારી છે.
ગુરુવારે સવારે દર્શન પછી પાટીલ અને એમની સાથે ઉપસ્થિત ધારાસભ્યો, મંત્રીઓનું દાંતા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યાંથી તેઓ વડગામ પહોંચશે, ત્યાંથી પાલનપુરના દેલાણા-રૂપાપરા ગામે સ્વાગત સત્કાર સ્વીકારી પાલનપુર શહેરમાં પહોંચશે. અહીં આંબેડકર હોલ ખાતે શહેર સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાટીલનું સ્વાગત કરશે.