અમદાાવદ: પ્રેમલગ્ન કરનાર યુવતીનાં પતિએ વર્ષમાં જ પોત પ્રકાશ્યું, ઇ-મેઇલમાંથી પકડાયા અન્ય સ્ત્રી સાથેના ફોટા

અમદાવાદ: શહેરમાં રહેતી 30 વર્ષીય યુવતીના ચાલાક પતિને તેની જ ચાલાકી ભારે પડી હોય તેવી ઘટના બની છે. યુવતીએ વર્ષ 2018માં પરિવારથી વિરુદ્ધ જઈને પ્રેમી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. બાદમાં પતિ રાજકોટ નોકરીએ જતો અને અઠવાડિયાની જગ્યાએ પંદર દિવસે ઘરે આવતો હતો. જેથી ઘરમાં ઝગડા થતા હતા. ત્યારે જ પતિએ ચાલાકી વાપરી આ ઝગડા તેની માતાને કારણે થાય છે તેમ કહી પત્નીને પિયર મોકલી દીધી હતી. પણ પિયરમાંથી પત્નીને તેડી ન જઈ અલગ અલગ બહાના કરતા પત્નીને દાળમાં કાળુ હોવાની ગંધ આવી હતી. જેથી પતિનું ઇ-મેઈલ આઈડી તપાસતા તેમાંથી અન્ય સ્ત્રી સાથેના ફોટો મળી આવ્યા હતા. પતિ પત્ની ઔર વોનો કિસ્સો પોલીસસ્ટેશન પહોંચતા દંપતીનું બે વર્ષનું લગ્નજીવન ભંગાણના આરે આવી જતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મૂળ ભાવનગરની 30 વર્ષીય મહિલા હાલ ચાંદખેડામાં રહે છે. વર્ષ 2012માં આ યુવતી ડેટાકેર કંપનીમાં નોકરી કરતી હતી ત્યારે એક યુવક સાથે તેને પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં વર્ષ 2018માં બંનેએ ભાવનગર ખાતે કોર્ટ મેરેજ કર્યા હતા. આ લગ્ન યુવતીના માતા પિતાને મંજુર ન હતા પણ પતિના માતાને મંજુર હોવાથી તે તેના સાસરે રહેવા ગઈ હતી. યુવતીનો પતિ રાજકોટ ખાતે કોમ્પ્યુટર કંપનીમાં નોકરી કરતો હોવાથી તે રાજકોટ જ રહેતો હતો. અઠવાડિયે આ યુવતીનો પતિ ઘરે આવતો હતો. વર્ષ 2018માં યુવતીએ તેના પતિ ઘરે આવ્યા ત્યારે તેનો જન્મદિવસ પણ ઉજવ્યો હતો. બાદમાં તેનો પતિ રાજકોટ જતો રહ્યો હતો. પણ બાદમાં તે અઠવાડિયાની જગ્યાએ પંદર દિવસે આવવા લાગ્યો હતો.