અમદાવાદ : પુત્રવધૂના ત્રાસથી કંટાળી સસરાએ ‘વોટ્સએપ મેસેજ’ કરીને કર્યો આપઘાત
અમદાવાદઃ અડાલજ કેનાલ માંથી થોડા દિવસ પહેલાં એક વૃદ્ધની લાશ મળી હતી. જેમાં હવે સાબરમતી પોલીસ સ્ટેશન માં ગુનો નોંધાયો છે. પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે મૃતકે તેમના ફોન પરથી તેમના પરિવારજનોને મેસેજ કર્યો હતો કે પોતે આપઘાત કરવા જઈ રહ્યા છે. આ મેસેજમાં તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે તેઓ તેમની વહુ અને તેના ઘરના લોકોથી કંટાળીને આપઘાત કરી રહ્યા છે. જેથી સમગ્ર બાબતને લઈને પોલીસે મૃતકની પુત્રવધૂ, પુત્રવધૂની બહેન અને ભાઈ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સાબરમતીમાં આવેલાં ન્યૂ દેવભૂમિ સોસાયટીમાં રહેતાં રોહનભાઈ ઓઝા ટેસ્ટિંગ એન્જીનિયર તરીકે નોકરી કરે છે. તેમના પિતા દેવેન્દ્રભાઇ નવા વાડજ ખાતે આવેલી એક શાળામાં લેબ ટીચર તરીકે નોકરી કરતાં હતાં. રોહનભાઈના લગ્ન ભૂમિકા નામની યુવતી સાથે થયાં હતાં. રોહન અને ભૂમિકાનું નક્કી કર્યું ત્યારથી જ બંને પરિવાર વચ્ચે ખટરાગ ચાલતો હતો. જોકે, થોડાં સમય બાદ જ્યારે સગાઈ તોડવાનું નક્કી થયું ત્યારે ભૂમિકાએ રોહનને સમજાવવા સગા-સંબંધીઓને ફોન કરીને લગ્ન થાય તેમ કરવા ભલામણ કરી હતી. ભૂમિકાએ અજાણ્યા નંબર પરથી રોહનને ફોન પણ કર્યો હતો અને કહ્યું હતું કે, આઠેક માસ સગાઈ દરમિયાન સાથે રહ્યા તેમ છતાં લગ્ન નહીં કરે તો તારા માતા-પિતાને ખોટા પોલીસ કેસમાં ફસાવી દઇશ. તેથી રોહનને ચિંતા થઇ હતી કે તેના પિતાની સરકારી નોકરી જતી રહેશે.
ગત તારીખ 17 માર્ચના રોજ રોહનને ભૂમિકાએ તેના ઘરે બોલાવ્યો હતો. ત્યાં હાજર વકીલને સાથે રાખીને બાદમાં મેરેજ બ્યૂરો ખાતે જઇ ફૂલ-હારથી લગ્ન કર્યાં હતાં અને બાદમાં એક અલગ મકાનમાં રહેવા ગયા હતાં. રોહનના લગ્નની જાણ તેના પિતાને થતાં તેના પિતાએ અખબારમાં તેમનો પુત્ર કહ્યામા નથી અને મિલકતમાંથી બેદખલ કર્યો છે તેવી જાહેર નોટિસ આપી હતી.
લોકડાઉનના કારણે રોહનની નોકરી ન રહેતા તે ભૂમિકાના ઘરે રહેવા આવી ગયો હતો. જ્યાં ભૂમિકાના પિતા કોરોનામાં મૃત્યુ પામ્યા હતાં. બાદમાં રોહન પણ કોરોના પોઝિટિવ આવતાં તે પોતાના ઘરે ગયો હતો. બાદમાં ભૂમિકાના ભાઇ અને બહેન તેમના જમાઇ રોહનના ઘરે પહોંચી તેમના પિતા સાથે ઝઘડો કરતાં અને ભૂમિકાના પિતા તેમના કારણે જ મૃત્યુ પામ્યા હોવાનું કહીને ઝઘડો કર્યો હતો. જેથી રોહનના પિતાએ રોહનને અને તેની પત્નીને ત્યાંથી ફરી કાઢી મૂક્યા હતાં.આ સમય દરમિયાન ભૂમિકાને અલગ-અલગ પ્રકારની બીમારીઓ હોવા છતાં લગ્ન કરતાં રોહને તેની પત્ની સામે જ પોલીસ અરજીઓ કરી હતી. આ પ્રકારના ત્રાંસથી કંટાળી ગત તારીખ 10 ઓગસ્ટના રોજ રોહનના પિતાનો વોટ્સએપ મેસેજ આવ્યો અને તેમાં તેમણે લખ્યું હતું કે ભૂમિકા અને તેના પરિવારના ત્રાસના કારણે હું આત્મહત્યા કરવા જઇ રહ્યો છું. થોડાંક જ સમયમાં રોહનને અડાલજ કેનલમાંથી તેના પિતાની લાશ મળી હોવાનું જાણવા મળતાં સમગ્ર બાબતે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં ભૂમિકા અને તેના પરિવારજનો વિરૂદ્ધના પુરાવા મળતાં સાબરમતી પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.