ઓક્ટોબરમાં PM મોદી આવશે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, મેરોથોન બેઠકો શરૂ
નર્મદા : વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણને 31મી ઓક્ટોબર 2020ના રોજ 3 વર્ષ પૂર્ણ થશે. દર વર્ષે દેશભરમાં 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાય છે. આગામી 31મી ઓક્ટોબર 2020ના રોજ કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સાદગી પૂર્વક થવાની છે. જેની મેરોથોન મિટીંગો શરૂ થઈ ગઈ છે. આગામી 19 ઓગસ્ટનાં રોજ ગુજરાતના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક મિટિંગ ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજાશે. આ બેઠકમાં સામાન્ય વહીવટ વિભાગ, નર્મદા નિગમ, પોલીસ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ હાજર રહેશે. કોરોના મહામારીની હાલની સ્થિતિને જોતા આ કાર્યક્રમનું કદ નાનું રાખવાની શકયતાઓ છે. આ ઉજવણી દરમિયાન કેન્દ્રીય દળોની એકતા પરેડ અને લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમીના તાલીમાર્થીઓનો વિદાય સમારંભ પણ યોજાશે. જેની તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.