કોન્ફરન્સનું કેન્દ્ર બિંદુ કેમ બની રહ્યું છે કેવડિયા, કેમ થાય છે રાષ્ટ્રીય કોન્ફરન્સ?

અમદાવાદ : કેવડિયાની કાયાકલ્પ અને વિશ્વ ફલક પર કેવડિયાની ઓળખ ઉભી કરવામાં નરેન્દ્ર મોદીનો સિંહફાળો છે. અખૂટ કુદરતી સંપદા ધરાવતો નર્મદા જિલ્લો હાલમાં કેવડિયામાં યોજાતી વિવિધ કોન્ફરન્સના કારણે કેન્દ્ર સ્થાને છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ બાદ વિશ્વની સૌથી ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાના કારણે કેવડિયા હાલમાં ચર્ચામાં છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જ તેમણે નર્મદાના કેવડિયાની કાયાકલ્પનો વિચાર રજૂ કર્યો હતો, તે વિચારને ટુંકા ગાળામાં જ અમલમાં મુકીને વિશ્વના નકશા પર નર્મદાને અંકિત કરાવી દીધુ, કેવડિયાના કાયાકલ્પ પાછળ મોદીનો નર્મદા પ્રેમ છે. સરદાર સરોવરથી માંડીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટ પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ રહ્યા છે, કેવડિયાના કુદરતી સૌદર્યનો લાભ લઈને તેને એક ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનાવાયું છે. મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી જ સરકારના કાર્યક્રમો ગાંધીનગર બહાર કરવાના હિમાયતી હતા, દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ પણ તે મહત્વની કોન્ફરન્સ દિલ્હી બહાર યોજી રહ્યા છે. કુદરતના ખોળે કેવડિયામાં આ પ્રકારની કોન્ફરન્સ હવે કોઈ નવી વાત નથી. આ પહેલા પણ અહીં અનેક કોન્ફરન્સ કેવડિયામાં યોજાઈ ચૂકી છે.
નર્મદા પહેલા સરદાર સરોવર ડેમના કારણે વિશ્વભરમાં જાણીતું હતુ, નર્મદાને વધુ એક ઓળખ મળી સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે, સરદાર પટેલની વિશાળ કદની ઉંચી પ્રતિમાના કારણે નર્મદા હાલમાં વિશ્વભરના લોકો માટે ધ્યાનાકર્ષક બની ગયું છે. હવે આજ નર્મદામાં મહત્વનું એક વધુ કાર્ય થઈ રહ્યું છે અને તે છે વિવિધ કોન્ફરન્સ, જી હા એ કહેવામાં જરા પણ અતિશયોકિત નથી કે આવનારા દિવસોમાં વિવિધ કોન્ફરન્સ કરવા માટેનું ઉત્તમ સ્થળ બની રહે, ગુજરાતના નર્મદાનું કેવડિયા હાલ કોન્ફરન્સનું કેન્દ્ર બની રહ્યું છે, અનેક નાની મોટી કોન્ફરન્સનું અહી આયોજન થઈ રહ્યું છે. નાના પર્વત, ખળખળ વહેતી નર્મદા, સરદાર સરોવર ડેમ, ડેમની પાછળના તળાવો દરેક બાબત અહી આવતા અધિકારીઓને પણ વધુને વધુ આકર્ષી રહી છે.
હાલમાં ભાજપની પ્રદેશ કારોબારી કેવડિયાની ટેન્ટ સિટીમાં ચાલી રહી છે, આ કારોબારીમાં 700થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત છે, જેની સારી એવી ચર્ચા પણ થઈ રહી છે, આ પહેલા પણ સ્મૃતિ ઈરાનીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય પોષણ માસની કોન્ફરન્સનું આયોજન થયું હતુ. વિકસતા ગુજરાતમાં ચર્ચાઓ કરવા માટે એક સારા પ્લેટફોર્મની જરૂર હતી, અને તે જરૂરિયાતને જાણી અને તેને પૂરી કરી હતી નરેન્દ્ર મોદીએ, ગાંધીનગરમાં જ મહાત્મા મંદિરની રચના કરી, જે મહાત્મા મંદિરમાં અનેક કોન્ફરન્સ અને કાર્યક્રમ હાલમાં પણ યોજાઈ રહ્યાં છે. મહાત્મા મંદિર વધારે જાણીતું બન્યું હતુ વાઈબ્રન્ટ સમિટના કારણે, દેશ વિદેશના અનેક મહાનુભાવોને અહી આમંત્રીત કરવામાં આવતા હતા.