આજથી માસ્ક નહીં પહેરનારને રૂ. 1,000નો ‘ચાંદલો’; ASI માસ્ક પહેર્યા વગર દંડ ઉઘરાવતા જોવા મળ્યા
અમદાવાદ : આજથી જાહેરમાં માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી એક હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સોમવારે જણાવ્યું હતું કે રાજ્યમાં મંગળવારથી હાઇકોર્ટ (Gujarat High Court)ના આદેશનો અમલ કરાવવામાં આવશે. જેના પગલે આજથી જાહેરમાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી એક હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવશે. બીજી તરફ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જ્યાં ભાવનગર ના વરતેજમાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી એક પોલીસકર્મી માસ્ક પહેર્યાં વગર દંડી રહ્યો છે. ! માસ્ક અંગે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા જાહેરમાં માસ્ક ન પહેરતા લોકોને મોટો દંડ કરવાની ટકોર કરી હતી. હાઇકોર્ટે માસ્ક ન પહેરતા લોકોને એક હજાર રૂપિયા સુધી દંડ કરવાનું જણાવ્યું હતું. જે બાદમાં સરકાર તરફથી માસ્ક નહીં પહેરવા બદલ એક હજારનો દંડ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
લોકો માસ્ક પહેરીને જોવા મળ્યાં
માસ્ક માટે દંડના વધારાના પ્રથમ દિવસ અમદાવાદ શહેરમાં સવારે લોકો માસ્કમાં જ જોવા મળ્યા હતા. રસ્તાઓ પર લોકો માસ્ક સાથે જ જોવા મળ્યા હતા. લોકોને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે 1000 રૂપિયા દંડ ભરવો તેના કરતા માસ્ક પહેરવું સારું છે. રાજ્યના અન્ય શહેરમાં પણ આવો જ માહોલ જોવા મળ્યો હતો.