અમદાવાદઃ પ્રેમ લગ્ન કરી પતિએ પત્નીને મોકલી દીધી પિયર, સાસરે લાવી બોલાવ્યો ભુવો અને….

અમદાવાદ: દિવસેને દિવસે પરિણીતાઓ ઉપર અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા હોય તેમ એક બાદ એક અલગ અલગ ઘટનાઓ સામે આવી રહી છે. મહિલા પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે તેને એક યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. જોકે પરિવારજનોને આ લગ્ન મંજૂર ન હોવાથી તેના પતિએ તેને પિયરમાં જવા માટે કહેતા આ યુવતી પિયરમાં જતી રહી હતી. જોકે આ યુવતીનો પતિ તેને જ્યારે સાસરે તેડી ગયો ત્યારે બીજા જ દિવસે એક ભુવાજીને બોલાવ્યો હતો અને તેની ઉપર મેલી વિદ્યા (black magic) કરાવવાનું કહ્યું હતું. જો કે યુવતીએ મનાઈ કરતા સાસરિયા ગુસ્સે ભરાયા હતા. બાદમાં તેની ઉપર દિવસે ને દિવસે ત્રાસ ગુજારતા રહ્યા હતા. આટલું જ નહીં યુવતીની નણંદએ એવું પણ કહ્યું હતું કે તારે અહિં રહેવું હોય તો મારા ભાઈની બીજી પત્ની બનીને રહેવું પડશે અને પિયરમાંથી પાંચ લાખ રૂપિયા લઈને આવવું પડશે. સમગ્ર બાબતને લઈને પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી કામકાજ કરે છે. તેણે વર્ષ 2020માં એક યુવક સાથે ઘીકાટા કોર્ટમાં પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બંનેની મરજીથી થયા હતા. પરંતુ પરિવારના સભ્યોને પ્રેમ લગ્ન બાબતે જણાવેલ હતું નહીં. જેથી લગ્ન બાદ આ યુવતી તેના પતિના કહેવાથી પિયર રહેવા જતી રહી હતી અને પિયરમાં બે મહિના જેટલું રોકાયા બાદ તેના પતિએ તેને ફોન કર્યો હતો અને પિયરથી નીકળી યુવતી તેના નણંદના ઊંઝાના ઉનાવા ગામ ખાતે રહેવા ગઈ હતી. આ યુવતી નણંદના ઘરે આશરે 12 દિવસ રોકાઈ હતી અને તેનો પતિ તથા સાસુ સસરા નરોડા ખાતે રહેતા હતા.
ત્યાર બાદ યુવતીના પિતાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હોવાથી જવાબ લખાવવા માટે પતિ સાથે આ યુવતી સાબરમતી પોલીસ સ્ટેશન આવી હતી અને બાદમાં તેના સાસરે રહેવા ગઇ હતી. સાસરે રહેવા ગઈ તેના બીજા દિવસે જ યુવતીના પતિ તથા સાસરિયાઓએ કોઈ ભુવાજી ને ઘરે બોલાવ્યા હતા અને તેની ઉપર મેલી વિધિ કરવાનું જણાવ્યું હતું. જેથી યુવતીએ ના પાડતા તેના પતિએ તેની સાથે ઝઘડો કર્યો હતો અને કહ્યું કે મારા કહેવા મુજબ નહીં કરે તો હું તને જાનથી મારી નાખીશ.