અમદાવાદ : લો બોલો, તસ્કરો પોલીસ સ્ટેશનની સામેથી કોન્સ્ટેબલનું બાઇક જ ચોરી ગયા
અમદાવાદ: શહેરમાં રોજબરોજ વાહન ચોરીના અનેક કિસ્સા સામે આવે છે. પણ અમદાવાદમાં એક એવી વાહન ચોરીનો કિસ્સો સામે આવ્યો જેમાં પોલીસ પર જ પ્રજાને હસવું આવે. એલિસબ્રિજ પોલીસે ગુજરાત કોલેજ જવાના બ્રિજ નીચે જે પાર્કિંગ બનાવી દીધું છે ત્યાંથી જ તસ્કરો એક કોન્સ્ટેબલનું બાઇક ચોરી ફરાર થઇ ગયા હતા. અમુક કિસ્સા માં લોકોની ફરિયાદ લેવામાં તો પોલીસ બહાના બતાવતી હોય છે પણ ખુદ કોન્સ્ટેબલ સાથે પણ આ ઘટના બની છે.
જુલાઈ માસમાં કોન્સ્ટેબલનું બાઇક ચોરી થયું પણ ફરિયાદ ઓગસ્ટ મહિનામાં લેવાતા સ્થાનિક અધિકારીઓની નિષ્ફળતા સામે આવી છે. ઉલ્લેખનીય છે આ વાતને લઈને પોલીસે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે તેઓ વાહન જાતે શોધતા હતા પણ ન મળતા મોડી ફરિયાદ નોંધાવી છે. જોકે પોલીસે આબરૂ બચાવવા જ ક્યાંક આવું કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ધોળકા ખાતે રહેતા મનહરકુમાર પરમાર એલિસબ્રિજ પોલીસસ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમની પાસે તેમનું સ્પ્લેન્ડર બાઇક છે. ગત 28મી જુલાઈએ રાત્રે તેઓ ધોળકાથી આવ્યા અને બાઇક પોલીસસ્ટેશન સામે મૂકી ડ્યુટીએ ચઢયા હતા. રાત્રે બાઇક ઉકીને ફરજ નિભાવી અને સવારે શિફ્ટ પુરી થતા તેઓ ઘરે જવા નિકલ્યા ત્યારે તેમનું બાઇક ત્યાં ન હતું. બાઇક શોધવા અનેક પ્રયાસો કર્યા પણ બાઇક મળ્યું ન હતું. જોકે અનેક દિવસો સુધી બાઇક ન મળતા આખરે તેમણે એલિસબ્રિજ પોલીસસ્ટેશનમાં જ ફરિયાદ નોંધાવતા હવે પોલીસે તપાસ હાથ ધરી છે.