અમદાવાદ : ચીરીપાલ ગ્રુપની નંદન એક્ઝિમમાં લાગી આગ, 7 મહિના પહેલા અહીં લાગેલી આગે સાતનો ભોગ લીધો હતો
અમદાવાદ : શહેરના નારોલમાં પીરાણા રોડ પર આવેલા નંદન એક્ઝિમમાં વહેલી સવારે ભીષણ આગ (Massive Fire) લાગી છે. ફાયર વિભાગની10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે હાજર છે. ફાયર વિભાગ દ્વારા સવારે આશરે 8.30ની આસપાસ આગ બુઝાવી દેવામાં આવી છે. આ કંપનીમાં રાખેલો તમામ માલસામાન બળીને ખાખ થઇ ગયો છે. આ ભીષણ આગમાં કોઇ જાનહાનીના સમાચાર આવ્યા નથી પરંતુ એક જવાન ઇજાગ્રસ્ત બન્યો છે.
એક ફાયર જવાન ઇજાગ્રસ્ત
આ દૂર્ધટનાની જાણ થતા જ સીએફઓ દસ્તુર, ડેપ્યુટી સીએફઓ મિસ્ત્રી તેમજ ખાડિયા, જમાલપુર અને અસલાલી ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે હાજર થઇ ગયા હતા.આ દુર્ઘટનામાં એક ફાયર જવાન જ્યારે ફેક્ટરીની અંદર પ્રવેશતો હતો તે દરમિયાન જ તેની ઉપર પતરુ પડતા તેને ઇજા પહોંચી હતી. તે ફાયર જવાન ઘાયલ થતા એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નંદન ડેનિમ કંપની ચીરીપાલ ગ્રુપની છે.
ગત ફેબ્રુઆરીમાં આ જ કંપનીની આગે સાતનાં જીવ લીધા હતા
નોંધનીય છે કે, ગત ફેબ્રુઆરી મહિનામાં નારોલ ખાતે ચીરીપાલ ગ્રુપની નંદન ડેનિમ એક્ઝિમમાં મોડી રાત્રે લાગેલી આગમાં કુલ સાત લોકોના મોત થયા હતા. આગાના બનાવમાં મોતને મામલે સ્થાનિક પોલીસે ચીરીપાલ ગ્રુપ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. કંપનીમાં ફાયર સેફટી તેમજ વેન્ટિલેટર નહિ હોવાની ગંભીર બેદરકારીના કારણે મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતુ. ચીરીપાલ ગ્રુપની નંદન ડેનિમમાં અવારનવાર આગની ઘટના સામે આવતી રહે છે.