રાજકોટનો અજીબો કિસ્સો: ‘આ તો જીવે છે’ કહીને સ્વજનો મૃતદેહ સ્મશાનેથી હૉસ્પિટલ પરત લાવ્યા

રાજકોટ: રાજકોટમાં એક અજીક કિસ્સા સામે આવ્યો છે. જેમાં કોરોના સંક્રમિત દર્દી જીવિત હોવાનો ભ્રમ થયા બાદ સ્વજનો તેને સ્મશાનથી હૉસ્પિટલ પરત લાવ્યા હતા. અહીં તપાસ બાદ હૉસ્પિટલ ખાતે હાજર તબીબોએ રાજેન્દ્રસિંહ જાડેજા નામના વ્યક્તિને ફરી વખત મૃત જાહેર કર્યો. જે બાદમાં ફરીથી મૃતકની ડેડબોડીને અંતિમવિધિ માટે મોટા મોવા સ્મશાન ખાતે મોકલી આપવામાં આવી હતી. ડૉક્ટરે બીજી વખતે મૃત જાહેર કરતા જ પરિવારમાં પોતાનું સ્વજન જીવિત હોવાની જે આશા જન્મી હતી તે ફરીથી મરી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલનાં કોવિડ સેન્ટરમાં મોડી રાત્રે કોરોના સંક્રમિત રાજેન્દ્રસિંહ મહાવીરસિંહ જાડેજા નામના 43 વર્ષીય વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીના સગા-સંબંધીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહને અંતિમવિધિ માટે રામનાથપરા મુક્તિધામ ખાતે મોકલવામાં આવ્યો હતો.