રાજકોટ : રામ મંદિર શિલાન્યાસ કાર્યક્રમમાં આર્ષ વિદ્યામંદિરના આચાર્ય પરમાત્માનંદજીને મળ્યું આમંત્રણ
રાજકોટ : આગામી પાંચમી ઓગસ્ટના રોજ અયોધ્યામાં રામજન્મભૂમિ ખાતે રામ મંદિર નો શિલાન્યાસ થવા જઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જ્યારે શિલાન્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટના મુંજકા ગામ ખાતે આવેલા આર્ષ વિદ્યામંદિરના આચાર્ય પરમાત્માનંદજીને પણ આ શિલાન્યાસ કાર્યક્રમમાં પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વાતચીતમાં પરમાત્માનંદજી એ તમામ સાધુ-સંતો વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહપ્રધાન અમિત શાહને લાખ લાખ અભિનંદન પાઠવ્યા છે. સાથે જ જણાવ્યું હતું કે, આ બંને રાજનેતાઓ મક્કમતાથી રાજકીય નિર્ણય લઈ શકવાની ક્ષમતા ધરાવી રહ્યા છે. જેના કારણે જ રામ મંદિરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે. આગામી સમયમાં અયોધ્યા ખાતે ન માત્ર રામ મંદિર બની રહ્યું છે, પરંતુ જન-જનની અંદર રામ બિરાજમાન થાય જન જનના હૃદયમાં રામ લલ્લાનું ચરિત્ર તેમના ગુણોનો સ્વીકાર થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચોક્કસ આત્મનિર્ભર ભારતની વાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે આત્મનિર્ભર ભારતની વાત કરવામાં આવી છે તેમાં મોટાભાગે આર્થિક પાસાઓને આવરી લેવામાં આવ્યા છે પરંતુ સાચા અર્થમાં આત્મનિર્ભર ભારત એ કહેવાશે કે જે, આત્મનિર્ભર ભારતમાં આપણે આપણી સંસ્કૃતિને આપણે આપણી પરંપરાઓને જાળવી રાખીશું.
હિંદુ ધર્મ આચાર્ય સભા દર ત્રણ વર્ષે મળતી હોય છે જેમાં 200 વર્ષથી જૂના હિન્દુ ધર્મના જુદા જુદા સંપ્રદાયના આચાર્ય તે બેઠકમાં હાજર રહેતા હોય છે ધર્મને લગતી બાબતો તેમજ ચર્ચાતી હોય છે. ત્યારે દોઢેક વર્ષ પહેલા હિંદુ ધર્મ આચાર્ય સભા રાજકોટના મુંજકા ગામ ખાતે આવેલા આર્ષ વિદ્યામંદિર ખાતે યોજાઇ હતી તે સમયે ગૃહપ્રધાન અમિત શાહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડામોહન ભાગવત ભારતીય જનતા પાર્ટીના નેતા રામ માધવ, સુબ્રહ્મણ્યમ સ્વામી તેમજ જુદા જુદા સંપ્રદાયના આચાર્ય હાજર રહ્યા હતા. આ બેઠકમાં પણ રામ મંદિરનો મુદ્દો અગ્રેસર રહ્યો હતો.