અમદાવાદ : ‘તને કોઈ જુએ એ લાયક નહીં રાખું,’ પતિની પત્નીને ધમકી
અમદાવાદ : શહેરના વાડજ વિસ્તારમાં એક મહિલાને પતિના અવસાન બાદ અન્ય પુરુષ સાથે પ્રેમ સબંધ બાંધી લગ્ન કરવાનું ભારે પડ્યું છે. આરોપીએ મહિલા સાથે લગ્ન કર્યા બાદ અવારનવાર તેની પાસેથી રૂપિયા પડાવ્યા હતા. અંતે મહિલા પર એસિડ ફેંકવા ની ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. રાણીપ વિસ્તારમાં રહેતી એક મહિલાએ વાડજ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2010માં તેમના પતિના અવસાન બાદ વર્ષ 2019માં શાસ્ત્રીનગરમાં રહેતા એક પુરુષ સાથે તેનો પરિચય થયો હતો. ત્યારબાદ બંન્ને વચ્ચે પ્રેમ સબંધ થતાં જાન્યુઆરી 2020માં ઘી કાંટા મેરેજ બ્યૂરોમાં લગ્ન કરી લીધા હતા. બાદમાં મહિલા તેના ઘરે બાળકો સાથે રહેતી હતી. લગ્ન બાદ લૉકડાઉનને કારણે બંને એકબીજાને મળી શક્યા ન હતા.
પહેલી જુલાઈના દિવસે આરોપીએ મહિલાને ફોન કર્યો હતો અને સોલામાં 42 લાખનું મકાન લેવાનું હોવાનું કહીને મહિલાને મકાન જોવા માટે લઈ ગયો હતો. જ્યાં મહિલાને કહ્યું હતું કે તું કરિયાવરમાં કંઈ લાવી નથી એટલે તારે અત્યારે પાંચ લાખ રૂપિયા આપવા પડશે. જોકે, મહિલાએ રૂપિયા આપવાનો ઇન્કાર કરતા તેને મારી મારીને ઘરે પરત મૂકી ગયો હતો.
રબાદ આરોપીએ એક્ટિવા લેવા માટે મહિલા પાસે રૂપિયા 50 હજારની માંગણી કરી હતી. એટલે 18 મી જુલાઇના દિવસે મહિલાએ તેને એકિટવા લેવા માટે રૂપિયા આપ્યા હતાં. 19મી જુલાઇના દિવસે આરોપી મહિલાનાં ઘર નીચે આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે તે તેને લેવા માટે આવ્યો છે. જો મહિલા તેની સાથે નહીં આવે તો સોસાયટીમાં ઈજ્જતનો ભવાડો કરી નાખવાની ધમકી આપી હતી. મહિલા તેની સાથે જતા આરોપી મહિલાને ગોતા ખાતેમાં મકાનમાં લઈ ગયો હતો.
અહીં એક્ટિવાને લઈને બંને વચ્ચે ઝઘડો થતાં આરોપીએ મહિલાને ‘તને કોઈ જુએ એ લાયક નહીં રાખું’ કહી મોઢા પર એસિડ ફેંકીને સળગાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.