અમદાવાદ : કાર લઇને યુવતીનો પીછો કરીને કર્યાં ગંદા ઈશારા, યુવતીએ નોંધાવી ફરિયાદ
અમદાવાદ : એક તરફ રાજ્યમાં મહિલા સશક્તિકરણ ની વાતો વાગોળવામાં આવી રહી છે. બીજી તરફ રાજ્યમાં દરરોજ છેડતી અને દુષ્કર્મ ના અનેક બનાવો સામે આવી રહ્યા છે. શહેરમાં ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કરતી એક યુવતીની જાહેર રોડ પર યુવાને છેડતી કરતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ફરિયાદી યુવતી તેના ઘરેથી ઓફિસ જવા માટે નીકળી હતી. આ સમયે વરના કારમાં એક યુવાને તેનો પીછો કર્યો હતો. છારોડી નજીકથી નરાધમે યુવતીનો પીછો કરતો હતો. યુવતી ડરના કારણે એસ.જી હાઈવેથી જજીસ બંગલો રોડ તરફ નીકળી હતી. છતાં આ કાર ચાલકે તેનો પીછો છોડ્યો ન હતો. માનસી સર્કલ નજીક પહોંચતા જ કાર ચાલકે યુવતીને ગંદા ઈશારા કર્યા હતા.
યુવકની આવી હરકત બાદ યુવતી ડરી ગઈ હતી અને પોલીસને જાણ કરી હતી. પોલીસ આવે તે પહેલાં જ આ નરાધમ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ યુવતીએ સમગ્ર ઘટનાની જાણ કરતા જ પોલીસે અજાણ્યા યુવક સામે ફરિયાદ નોંધી છે. પોલીસે આ મામલે હાલ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.