અત્યંત અશ્લીલ ટિપ્પણી કરનારા હની સિંહે માફી માગી, ફેન્સને કહ્યું – ભૂલચૂક માફ કરશો! | yo yo honey singh apologizes after nasty comment video viral

Honey Singh Apologizes after Nasty Comment: જાણીતો સિંગર અને રેપર યો યો હની સિંહ ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે મુશ્કેલીમાં મુકાયો છે. 14 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં આયોજિત એક કોન્સર્ટ દરમિયાન હની સિંહે મંચ પરથી અત્યંત અશોભનીય અને વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. દિલ્હીની કડકડતી ઠંડી વિશે વાત કરતા તેણે જાહેરમાં એવી બિભત્સ વાત કરી દીધી કે ત્યાં હાજર લોકો પણ ચોંકી ગયા હતા. આ નિવેદનનો વીડિયો વાઇરલ થતા જ લોકોએ તેને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. જોકે, વિવાદ વધતા હવે રેપરે આ મામલે સ્પષ્ટતા કરી છે અને માફી માંગી છે.
શું હતી સમગ્ર ઘટના?
તાજેતરમાં એક લાઈવ ઈવેન્ટ દરમિયાન હની સિંહે સ્ટેજ પરથી યુવાઓ (Gen-Z) સાથે વાતચીત કરતી વખતે કેટલીક અશોભનીય ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા જ લોકોએ તેમના પર સવાલો ઉઠાવ્યા અને તેમની ટીકા કરી હતી.
હની સિંહે વીડિયો શેર કરી માંગી માફી
વિવાદ વધતો જોઈ હની સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર જે વીડિયો ફરી રહ્યો છે તે ‘એડિટ’ કરીને વાઇરલ કરવામાં આવ્યો છે. તેણે પોતાની વાત રજૂ કરતા કહ્યું કે, શૉના થોડા દિવસો પહેલા મારી મુલાકાત કેટલાક ગાયનેકોલોજિસ્ટ સાથે થઈ હતી, જેમણે જણાવ્યું હતું કે આજકાલના યુવાનો અસુરક્ષિત શારીરિક સંબંધોને કારણે ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યા છે.’
ભાષાની પસંદગીમાં થઈ ભૂલ
રેપરે સ્પષ્ટતા કરી કે, ‘હું કોન્સર્ટમાં હાજર યુવા ઓડિયન્સને તેમની જ ભાષામાં મેસેજ આપવા માંગતા હતો, જેથી તેઓ અસુરક્ષિત સંબંધોથી થતા જોખમો વિશે સમજી શકે. આજકાલની OTT કન્ટેન્ટનું ચલણ છે, આથી મેં એવી જ ભાષામાં યુવાઓને આ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો.’
આ પણ વાંચો: અલ્લુ અર્જુન અને લોકેશ કનગરાજનું કોલબરેશનઃ આ વર્ષથી શૂટિંગ
મારો ઈરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો નહોતો: હની સિંહ
હની સિંહે કહ્યું, ‘જો કોઈને મારી ભાષાથી દુઃખ થયું હોય, તો હું દિલથી માફી માંગુ છું. મારો ઈરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો નહોતો. માણસ ભૂલને પાત્ર છે, હું પ્રયત્ન કરીશ કે ભવિષ્યમાં આવી ભૂલ ફરી ન થાય.’
ભૂલચૂક માફ
હની સિંહે આ વીડિયોના કેપ્શનમાં ‘ભૂલચૂક માફ’ લખ્યું છે. તેણે વધુમાં ઉમેર્યું કે હવેથી હું પોતાની વાણી પર સંયમ રાખીશ અને કંઈપણ બોલતા પહેલા સો વાર વિચાર કરીશ, કારણ કે સોશિયલ મીડિયા પર વાતોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવે છે.




