મહત્ત્વનો નિર્ણય : સુરતથી અમદાવાદ આવતી-જતી ST બસો કરાઇ બંધ
સુરત : છેલ્લા થોડા દિવસથી સુરત શહેરમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. જેના કારણે બે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. સુરતથી અમદાવાદ આવતી જતી એસટી બસનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાંથી આવતી બસોને અન્ય કોઇ જિલ્લામાં જવું હોય તો પણ તેને અમદાવાદમાં પ્રવેશ આપવામાં નહીં આવે. આવી બસોને બાયપાસ જવું પડશે. અમદાવાદમાં કોરોના સંક્રમણ વધુ ન વધે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, 1 જુલાઇનાં રોજથી ગુજરાતમાં એસટી બસ શરૂ કરવામાં આવી હતી. હવે અમદાવાદમાં કોરોના સંક્રમણનાં આંકડા પહેલા કરતા ધીરે ધીરે અંકુશમાં આવી રહ્યાં છે. જ્યારે સુરતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. જેના કારણે જો સુરતનાં લોકો અમદાવાદમાં આવે તો કોરોનાનાં આંકડા ફરીથી વધી શકે છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, સુરત કે વલસાડથી આવતા લોકોનાં એક્સપ્રેસ વે પર જ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે. ગઇકાલે 574 લોકોને તપાસવામાં આવ્યાં જેમાંથી 23 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો.