गुजरात

અમદાવાદ : યુવતીને પૂર્વ પતિની ધમકી, ‘મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં’

અમદાવાદ : બાપુનગર વિસ્તાર માં રહેતી યુવતીને પૂર્વ પતિ એ ફરી લગ્ન  કરવા દબાણ કર્યું હતું. જે માટે યુવતીએ ઇન્કાર કરતા તેના પર એસિડ છાંટી ચહેરો બગાડી દેવાની ધમકી આપી હતી. પૂર્વ પતિએ મિત્ર સાથે મળી યુવતીની માસીની દીકરીને વીડિયો કોલ  કરી લગ્ન સમયના ફોટો બતાવી ‘તારી બહેન મારી નહીં થાય તો કોઈની નહીં થાય’ તેવી ધમકી પણ આપી હતી. બાપુનગર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બાપુનગર વિસ્તારમાં રહેતી યુવતી તેની માસી સાથે તેમની ન્યૂઝ પેપરની ઓફિસમાં બેસતી હતી. આ સમયે ત્યાં ઓફિસ બોય તરીકે કામ કરતા યુવક સાથે પ્રેમ થયો હતો. બાદમાં બંનેએ લગ્ન કર્યા અને છ જ મહિનામાં છૂટાછેડા થઈ ગયા હતા. છૂટાછેડા બાદ રાહુલ અવારનવાર યુવતીને રસ્તામાં રોકી ફરી લગ્ન કરવા દબાણ કરતો હતો. જો લગ્ન કરવા તૈયાર નહીં થાય તો લગ્નના ફોટો વાયરલ કરી દેશે અને તેના વતનમાં જઇ બતાવી દેશે તેવી ધમકી આપી હતી.

બે દિવસ પહેલા રાહુલે તેના મિત્ર ઉત્કર્ષના નંબર પરથી યુવતીની માસીની દીકરીને વોટ્સએપ પર કોલ કરી લગ્ન સમયના ફોટો બતાવ્યા હતા અને ‘તારી બહેન મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં. તેની જિંદગી નરક કરી નાખીશ. એસિડ છાંટી ચહેરો બગાડી નાખીશ’ તેવી ધમકી આપી હતી. મિત્ર ઉત્કર્ષ પણ રાહુલને ઉશ્કેરી અને ગમે તે હિસાબે ઉપાડી લઈશું તેવું કહેતો હતો. જેથી યુવતીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે પુરાવાના આધારે તપાસ હાથ ધરી છે.

Related Articles

Back to top button