‘અમે ક્રાઇમ બ્રાંચમાંથી છીએ’ નકલી પોલીસે મહિલાને ધમકાવી એક લાખ રૂપિયા અને દાગીના પડાવ્યા
અમદાવાદ : શહેરમાં ફરી એક વખત નકલી પોલીસનો આતંક જોવા મળ્યો છે. અમે ક્રાઈમ બ્રાંચમાં છીએ તમે કાયદા વિરોધી કામ કરો છો તેમ કહીને મહિલાને ડરાવી-ધમકાવી રોકડા અને દાગીના એમ કુલ રૂપિયા બે લાખ પાંચ હજારનો તોડ કરી ફરાર થઈ ગયા છે.
જોધપુર ગામમાં રહેતા હેતલબેને ફરિયાદ નોંધાવી છે કે, તેઓ ઘરેથી લેડીઝ કુર્તા અને કોસ્મેટિકની વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. 6 જુલાઈના બપોરે સાડા ચાર વાગ્યાની આસપાસ એક મહિલા અને એક પુરુષ તેઓના ઘરે આવ્યા હતા અને મહિલાએ તેમની પાસે પાવડર અને લિપસ્ટીકની માંગ કરી હતી. હેતલબેને અલગ અલગ વસ્તુઓ બતાવતા આરોપી મહિલાને આ વસ્તુ પસંદ આવી ન હતી. જેથી ફરિયાદીએ તેઓની બીજી વસ્તુ લેવા માટે તેમના બીજા રૂમમાં ગયા હતા. તે સમયે આરોપીએ ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો અને મહિલાને ધમકી આપી હતી કે, અમે ક્રાઇમ બ્રાંચમાંથી છીએ. તમે કાયદા વિરોધી કામ કરો છો. તેઓ મેસેજ અમને મળેલ છે.
ત્યારબાદ ત્યાં હાજર પુરુષ આરોપીએ કોઈને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, સાહેબ બાતમી સાચી છે અને અમે મહિલાને પકડી લીધી છે. એટલું જ નહીં જ્યારે ફરિયાદી મહિલાએ તેના પતિને ફોન કર્યો ત્યારે આરોપીએ તેનો ફોન પણ લઈ લીધો હતો. ત્યારબાદ આરોપીએ મહિલા પાસે સેટલમેન્ટ કરવા માટે રૂપિયા છ લાખની માંગણી કરી હતી.