અમદાવાદ : હૉસ્પિટલમાં સાસુની સેવા કરતા પુત્રવધૂને લાગ્યું ઇન્ફેક્શન, કોરોના હોવાનું માની સાસરિયાઓએ કાઢી મૂકી
અમદાવાદ : શહેરના પોષ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના સાસરિયાઓ તેને ત્રાસ આપતા હતા. જ્યારે તેની સાસુને એટેક આવ્યો ત્યારે તેમની સેવા કરવા તે ગઈ હતી. ત્યાં હોસ્પિટલની અવર જવર કરતા તેને કોઈ પ્રકારનું ઇન્ફેક્શન લાગ્યું હતું. સાસરિયાઓએ આ પુત્રવધૂને કોરોનાનું ઇન્ફેકશન લાગ્યું હોવાનું માનીને કાઢી મૂકી હોવાનો આક્ષેપ કર્યો છે. આટલું જ નહીં પણ બાદમાં મહિલાએ પતિ પાસે બાળકોના ભણતર માટે ખર્ચ માંગતા પતિએ છૂટાછેડા લેવાનું કહી દીધું અને મકાન પણ ખાલી કરવા દબાણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
આનંદનગર રોડ પર આવેલા એક ફ્લેટમાં 35 વર્ષીય મહિલા તેના બે બાળકો સાથે રહે છે. આ મહિલાના વર્ષ 2010 માં લગ્ન થયા હતા. મહિલાનો પતિ સિવિલ એન્જીનીયરીંગને લગતો વ્યવસાય કરે છે. વડોદરા ખાતે લગ્ન થયા બાદ મહિલા તેના પતિ સાથે અમદાવાદ ખાતે રહેવા આવી હતી. મહિલાનો આક્ષેપ છે કે, તેનો પતિ વર્ષ 2014માં બિઝનેસ માટે દુબઈ ગયો હતો. ત્યારે સાસુએ તેને કાઢી મૂકી માતાના ઘરે મોકલી દીધી હતી. આટલું જ નહીં પણ મહિલા પહેલા જ્યારે નોકરી કરતી હતી ત્યારે તેનો પગાર પણ સાસરિયાઓ લઈ લેતા અને ઝગડા કરી માર મારતા હતા. લૉકડાઉન સમયે મહિલાની સાસુ બીમાર રહેતા તેનો પતિ મહિલાને મૂકીને વડોદરા જતો રહ્યો હતો.
ગત 3 મેના રોજ મહિલાના પતિએ જાણ કરી કે, તેમની માતાને એટેક આવ્યો છે. જેથી આ મહિલા સાસુની સેવા ચાકરી કરવા વડોદરા ગઈ હતી. બાદમાં મહિલાની સાસુને બાયપાસ સર્જરી કરાવી હતી. આ દરમિયાન મહિલાને હૉસ્પિટલ અવાર નવાર આવવા જવાનું થતા તેને કોઈ ઇન્ફેક્શન લાગી ગયું હતું. જેથી મહિલાની સાસુ, પતિ, નણંદ અને નણદોઈએ આ મહિલાને કોરોના વાયરસનું ઇન્ફેક્શન હોવાનું માનીને તેને કાઢી મુકી હતી.