અમદાવાદ : ‘ઘણા લોકો માસ્ક વગર ફરે છે, અમે દંડ નહીં ભરીએ, તમારાથી થાય તે કરી લો’
અમદાવાદ : કોરોના કહેર વચ્ચે રાજ્ય સરકારે ઘરની બહાર નીકળતા તમામ વ્યક્તિ માટે માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. છેલ્લા કેટલાક દિવસથી જો કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરે તો તેની પાસેથી દંડ વસૂલવાની સત્તા સરકારે પોલીસ આપી છે. પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન જેવી કોઈ વ્યક્તિ માસ્ક વગર નજરે પડે તો તેની પાસેથી 200 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવે છે. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણના પણ અનેક બનાવો સામે આવી રહ્યા છે.
પોલીસ આવા વ્યક્તિઓને રોકીને તેમની પાસેથી દંડ વસૂલે છે ત્યારે ગુસ્સામાં આવીને લોકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી આવે છે. શહેરના ઝુંડાલ સર્કલ પર પોલીસ કર્મચારીઓ ફરજ પર હાજર હતા તે દરમિયાન એક કારમાં અવનિશ તિવારી અને ધ્રુવ તિવારી માસ્ક પહેર્યા વગર નીકળ્યા હતા. જેથી પોલીસે તેઓને રોકીને માસ્ક ન પહેરવા બદલ દંડ ભરવા માટે કહ્યું હતું. જોકે, આ બંને યુવાનો ઉશ્કેરાઈ ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે, “ઘણા લોકો માસ્ક પહેર્યાં વગર ફરે છે. પહેલા તેઓને માસ્ક પહેરતા કરો, બાદમાં અમારી પાસે દંડ વસૂલ કરો. અમે માસ્ક નહીં પહેરીએ, તમારાથી થાય તે કરી લો. અમારે માસ્ક પહેરવું હોય તો પહેરીએ, અમારી મરજી.” આવું કહીને બંનેએ પોલીસ સાથે ઝઘડો કર્યો હતો. આ મામલે ચાંદખેડા પોલીસે બંને સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી હતી.
રવિવારે પણ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પ્રકારનો બનાવ સામે આવ્યો હતો. જેમાં પોલીસે માસ્ક પહેરવાનું કહેતા જ યુવાન ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસને ખોટી રીતે હેરાન કરવાનું કહીને મરી જવાની ચીમકી ઉચ્ચારી હતી. આમ શહેરમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિઓ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી રહ્યા હોય તેવા સતત બનાવો સામે આવી રહ્યા છે.
રેડ કરવા ગયેલી પોલીસને ધમકી, ‘કેસ કર્યો તો ખોટા કેસમાં ભરાવી દઈશું’
શહેરના બીજા એક બનાવમાં રાયપુર દરવાજા બહાર આવેલા ચૂનારાવાસમાં રેડ કરવા ગયેલી પોલીસને એક વ્યક્તિએ ખોટા કેસમાં ભરાવી દેવાની ધમકી આપી હતી. પોલીસને બાતમી મળી હતી કે રાયપુર દરવાજા બહાર આવેલા ચૂનારાવાસમાં રજનીબેન ચુનારા પોતાના ઘરની બહાર ઊભા રહીને આવતા જતા ગ્રાહકો પાસેથી રૂપિયા લઇ પોતાની ડાયરીમાં વરલી મટકાનો આંકડા ફરકનો સટ્ટો લખે છે. જેથી પોલીસ રેડ કરવા માટે ત્યાં પહોંચી હતી.