અમદાવાદના ડૉક્ટરને પૈસાની લાલચ ભારે પડી, સાઇબર ક્રાઇમનો ભોગ બન્યા
અમદાવાદ : છેલ્લા કેટલાક સમયથી સાઇબર ક્રાઇમ કરતા ગઠિયાઓનો આતંક ધીમે ધીમે વધી રહ્યો છે. દરરોજ નવી નવી મૉડેસ ઑપરેન્ડી થી ગઠિયાઓ લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે. હવે સિવિલ હૉસ્પિટલ ના ડોક્ટર પણ સાઇબર ક્રાઇમનો ભોગ બન્યા છે.
ધ્રુવ બારું નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે કે ગત 27 મેના દિવસે તેઓ સિવિલ હૉસ્પિટલમાં ફરજ પર હાજર હતા તે દરમિયાન તેમના મોબાઈલ પર સુહાસ માનકર નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. જે પોતે આર્મીમાં નોકરી કરે છે અને ફરિયાદીના ખાતામાં રૂપિયા 10,000 જમા કરવાની વાત તેમના પિતા સાથે થઇ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ વ્યક્તિએ ફોન કટ કરી દીધો હતો.
થોડીવારમાં ફરિયાદીના વોટ્સએપ નંબર પર રિસિવ મની લખીને એક કોડ આવ્યો હતો. આરોપીએ ફરિયાદીને આ code paytmમાં સ્કેન કરવા માટે કહ્યું હતું. જેથી ફરિયાદીએ તેમ કરતાં જ તેના બેંક ખાતામાંથી રૂપિયા 10,000 ઉપડી ગયા હતા.