સુરત : લગ્નના 15 દિવસે પત્ની આઠ અઠવાડિયાની પ્રેગ્નેન્ટ હોવાનું ખુલ્યું, પૂછપરછમાં દુષ્કર્મ થયાનો ખુલાસો
સુરત : શહેરના સચિન વિસ્તારમાં 15 દિવસ પહેલા લગ્ન કરી આવેલી યુવતીને પેટમાં દુઃખાવો થતા હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અહીં યુવતી ગર્ભવતી (Pregnant) હોવાનું બહાર આવ્યુ હતું. યુવતીએ પરિચિત યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાથી તેના પતિએ પોલીસમાં અરજી આપી છે. લગ્નને 15 દિવસ થયા હતા ત્યારે પેટમાં આઠ અઠવાડિયાનો ગર્ભ કેવી રીતે રહે તે મામલે પતિએ પત્નીને પૂછતા સમગ્ર હકીકત બહાર આવી હતી. આ મામલે પોલીસે ફરિયાદ ન લેતા મહિલાનો પતિ કમિશનર કચેરી ખાતે અરજી આપવા આવી પહોંચ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે સુરતના સચિન વિસ્તારમાં 15 દિવસ પહેલા લગ્ન કરી પોતાના સાસરે આવેલી યુવતીએ સચિન પોલીસ મથકમાં અરજી આપી છે. 14 જૂનના રોજ લગ્ન કરી સાસરે આવેલી યુવતીને અચાનક પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. જે બાદમાં પતિ તેને સારવાર માટે હૉસ્પિટલ ખાતે લઇ ગયો હતો. અહીં સારવાર બાદ યુવતી ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.