વધુ એક યુદ્ધના ભણકારા! ઈરાને કહ્યું- અમેરિકા અને ઈઝરાયલે હુમલો કર્યો તો જડબાતોડ જવાબ મળશે | Iran Warns US and Israel While Signalling Readiness for Nuclear Talks Amid Rising Tensions

![]()
Iran Warns America and Israel : ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ઈઝરાયેલ અને અમેરિકાને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. લેબનાનની બે દિવસીય મુલાકાતે પહોંચેલા અરાઘચીએ સ્પષ્ટ કહ્યું છે કે, તેમનો દેશ યુદ્ધ કરવા ઇચ્છતો નથી, પરંતુ જો ફરીથી હુમલો કરવામાં આવશે તો ઈરાન વળતો જવાબ આપવા સંપૂર્ણ તૈયાર છે.
ન્યૂક્લિયર પ્રોગ્રામ પર વાતચીત માટે ઈરાન તૈયાર
અબ્બાસ અરાઘચી (Abbas Araghchi)એ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ઈરાન તેના ન્યુક્લિયર પ્રોગ્રામ બાબતે અમેરિકા સાથે ચર્ચા કરવા તૈયાર છે. જોકે, તેમણે શરત મૂકી છે કે આ વાતચીત વોશિંગ્ટનના હુકમને બદલે પરસ્પર સન્માન અને હિતો પર આધારિત હોવી જોઈએ. જો અમેરિકા હકારાત્મક અભિગમ અપનાવશે તો તેના પરિણામો ફાયદાકારક રહેશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.
ટ્રમ્પની ટિપ્પણીથી તેહરાન નારાજ
બીજી તરફ, ઈરાનમાં વધી રહેલી મોંઘવારી અને અધિકારો માટે લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ સ્થિતિ અંગે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, જો ઈરાની સત્તા નાગરિકો પરની હિંસા નહીં અટકાવે, તો અમેરિકા હસ્તક્ષેપ કરી શકે છે. ઈરાન સરકારે ટ્રમ્પના આ નિવેદનને ભ્રામક ગણાવીને તેને આંતરિક બાબતોમાં દખલગીરી ગણાવી ભારે નારાજગી વ્યક્ત કરી છે.
ઈરાનીઓને યુદ્ધનો ડર
ઉલ્લેખનીય છે કે, જૂન-2025માં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ઘર્ષણ (Israel-Iran Conflict) થયું હતું. અમેરિકાને આશંકા છે કે, ઈરાન દેશમાં ન્યુક્લિયર પ્રોગ્રામ પર કામ કરી રહ્યું છે. ત્યારે અમેરિકાએ ઈઝરાયલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણમાં કૂદી ઈરાન સ્થિત ન્યુક્લિયર ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. એકતરફ ઈરાનમાં સત્તા વિરોધી દેખાવો (Iran Protest) થઈ રહ્યા છે, તો બીજીતરફ અમેરિકાએ હુમલો કરવાની ધમકી આપી છે, જેને લઈને ઈરાનીઓમાં ફરી યુદ્ધનો ડર ઊભો થયો છે.



