કોરોનાના વધતા કેસો વચ્ચે વાંસદામાં આવેલ કોવિડ૧૯ હોસ્પિટલ બંધ
કેસ ઓછા હતા ત્યારે હોસ્પિટલ ચાલુ હતી કેસો વધતા હોસ્પિટલ બંધ કરાતા અનેક તર્કવિતર્ક
વાંસદા
રિપોર્ટર – બ્રીજેશ પટેલ, સુનિલ ડાભી
વાંસદા ખાતે આવેલ ઉદિત હોસ્પિટલમાં કોવિડ ૧૯ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી બાદમાં હોસ્પિટલને બે મહિનામાં જ બંધ કરી દેવામાં આવી છે બીજીબાજુ જિલ્લામાં કોરોના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યા છે ત્યારે વહીવટીતંત્રની કામગીરી સામે લોકો અનેક સવાલ ઉભા કરી રહ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લામાં કોરોના પોઝીટીવના કેસોમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે ત્યારે લોકોમાં દહેશતનો માહોલ છવાઈ જવા પામ્યો છે.દિન-પ્રતિદિન કોરોનાના પોઝીટીવ કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વહીવટીતંત્ર દોડતું થઈ જવા પામ્યું છે.નવસારી જિલ્લામાં કોરોનાના પગપેસારા બાદ કોવિડ ૧૯ હોસ્પિટલો શરૂ કરવામાં આવી હતી જે પૈકી વાંસદા તાલુકામાં વાંસદા ખાતે આવેલ ઉદિત હોસ્પિટલ કહતે કોવિડ ૧૯ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી,જેમાં આ વિસ્તારમાં કોરોના પોઝીટીવ વ્યક્તિઓ સારવાર પણ લીધી હતી અને આઇસોલેશનમાં પણ રાખવામાં આવ્યા હતા.વાંસદા ખાતે ઉદિત હોસ્પિટલને કોવિડ ૧૯માં રૂપાંતર કરવામાં આવ્યું હતું.જો કે આ કોવિડ૧૯ હોસ્પિટલના પ્રારંભ બાદ બે મહિનામાં જ આ કોવિડ૧૯ હોસ્પિટલને બંધ કરી દેવામાં આવી છે.હાલ જિલ્લામાં કોરોના પોઝીટીવના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આ કોવિડ ૧૯ હોસ્પિટલને બંધ કરવા બાબતે આ વિસ્તારની જનતામાં અનેક સવાલો ઉદ્દભવે છે આ બાબતે તાલુકા હેલ્થ ઓફિસર ડો.પ્રમોદભાઈ પટેલના જણાવ્યા અનુસાર વાંસદા તાલુકામાં કોવિડ ૧૯ હોસ્પિટલનો કરવામાં આવેલ કરાર પૂર્ણ થયેલ હોય અને હાલ આ હોસ્પિટલ બંધ કરવામાં આવી છે.
આ બાબતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલના જણાવ્યા અનુસાર વાંસદા તાલુકામાં શરૂ કરાયેલ કોવિડ૧૯ હોસ્પિટલ જ્યારે જિલ્લામાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે આ આદિવાસી વિસ્તારમાં આવેલ કોવિડ ૧૯ હોસ્પિટલ બંધ કરવાનું કારણ આમજનતા ને સમજાતું નથી.વહીવટીતંત્રએ કોરોનાને કાબુમાં લેવા તેમજ આ કોવિડ ૧૯ બાબતે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.