અમદાવાદ : IELTS વગર વર્ક પરમીટ, PR અપાવવાનું કહી બંટી બબલીએ 5 લાખ ખંખેરી લીધા
અમદાવાદ: વિદેશ જનાર લોકો કન્સલ્ટિંગ એજન્ટનો સંપર્ક સાધતા અનેક લોકોને વિઝા ન મળતા તેઓના નાણાં ચાઉં કરી આવા લેભાગુ લોકો સામે કાર્યવાહી થઈ હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા હતા. પણ હવે વિદેશ જનારા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. એક બંટી બબલીએ ભેગા મળીને એક યુવકને IELTS (આઇ.ઇ.એલ.ટી. એસ) આપ્યા વગર વિદેશ મોકલી વર્ક પરમીટ અને પીઆર અપાવાવની લાલચ આપી પાંચ લાખ પડાવી લીધા હતા. જોકે, મીડિયામાં આવા કિસ્સા સમાચાર રૂપે આવતા આ યુવક સજાગ થઈ ગયો અને તે આ પ્રોસેસ રોકાવતા 10 લાખ રૂપિયા તેના બચી ગયા હતા.
સેટેલાઈટમાં રહેતા ચંદ્રિકા બહેન તેમના પુત્ર દર્શીત સાથે રહે છે અને મોટો પુત્ર અપૂર્વ અનેક વર્ષોથી કેનેડા ખાતે રહે છે. દર્શીતભાઈ સમાજની એક મિટિંગમાં ગયા હતા. ત્યાં તેમનો ભેટો પૂજા રાવલ નામની યુવતી સાથે થયો હતો. પૂજાએ દર્શીતભાઈ ને કહ્યું કે તેઓ તેમના ભાગીદાર ધીરેન ગોર સાથે મળીને આનંદનગર રોડ પર ટાઇટેનિયમ સીટી સેન્ટરમાં એચ.વી. ઇમિગ્રેશન નામની ઓફિસ ધરાવી લોકોને કેનેડા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ મોકલે છે. દર્શીત ભાઈનો ભાઈ અપૂર્વ પણ વિદેશ હોવાથી તેઓએ થોડી વાતચીત શરૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, તેઓને બહુ અંગ્રેજી આવડતું નથી તો આઈ.ઇ.એલ.ટી.એસ (ઇન્ટરનેશનલ ઈંગ્લીશ લેન્ગવેજ ટેસ્ટીંગ સિસ્ટમ) વગર વિદેશ જઈને પીઆર અને વર્ક પરમીટ મેળવી શકશે? જેથી આ પૂજાએ તેમને હા પાડી તેનો 15 લાખ ખર્ચ બતાવ્યો હતો.