गुजरात

‘મરવા જાઊં છું, હું એ રીતે મરીશ કે તમને મળીશ પણ નહીં’: અમદાવાદ ASIનાં પુત્રી અચાનક થયા ગુમ

અમદાવાદ: શહેરનાં સાબરમતી પોલીસ સ્ટેશનનાં એએસઆઈ ગિરીશદાન ગઢવીના પુત્રી સોનલ ગઢવી ગુરૂવારે બપોરે ‘મરવા જાઊં છું’નો ઓડિયો અને ચિઠ્ઠી લખીને અચાનક ગુમ થઇ ગયા છે. તેઓ છેલ્લાં ત્રણ મહિનાથી પિતાનાં ઘરે જ રહેતા હતા. સોનલબેનનું છેલ્લું લોકેશન સુરેન્દ્રનગરની નર્મદા કેનાલ મળ્યું હતું. જેથી ફાયર વિભાગની ટીમ અને તરવૈયાઓ દ્વારા દુધરેજ પાસેની કેનાલમાં સતત શોધખોળ ચાલી રહી છે. ફાયર વિભાગના સુપ્રીટેન્ડેન્ટ છત્રપાલસિંહ ઝાલા અને ટીમ દ્વારા કેનાલમાં સ્પેશ્યલ બોટ ઉતારી યુવતીની શોધખોળ કરાઈ રહી છે. પરંતુ સવાર સુધી કોઇ જ ભાળ મળી નથી.

સાસરિયાનો હતો ત્રાસ

આ અંગે મળતી માહિતી પ્રમાણે, સોનલબેનના લગ્ન 14 વર્ષ પહેલા ભરૂચનાં પીઆઈ પી.એસ. ગઢવીનાં દીકરા ધર્મેન્દ્રદાન સાથે થયા હતા. તેમને સંતાનમાં એક દીકરો અને દીકરી પણ છે. બીજીબાજુ તેમના સાસરિયાઓ તેમને હેરાન કરતા હોવાને કારણે છેલ્લાં ત્રણ મહિનાથી પિયરમાં જ રહેતા હતા. સોનલબેનનાં પતિ અવારનવાર તેમને મરવાની ધમકીઓ આપતા હતા અને ઘરે પાછી આવવાનું કહેતા હતા.

પતિ આપતો હતો વારંવાર મરવાની ધમકી

માનવામાં આવી રહ્યું છે કે, પતિ અને સાસરિયાઓનાં ત્રાસને કારણે સોનલબેને કંટાળીને આવું પગલું ભર્યું છે. ગુરૂવારે સોનલબેન ઘર છોડતાં પહેલા એક ચિઠ્ઠી લખીને ગુમ થયા છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ‘એ મને વારંવાર મરવાની બીક બતાવતો હતો, એ શું મરવાનો હતો હું જ તેને મરીને બતાવી દઈશ, હું મરવા જાઊં છું.’ આ સાથે તેમણે ગુરૂવારે બપોરે 1.53 કલાકે પિતાને ઓડિયો મેસેજ પણ મોકલ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે, ‘એ મને વારંવાર મરવાની બીક બતાવતો હતો, એ શું મરવાનો હતો હું જ તેને મરીને બતાવી દઈશ. હું એવી રીતે મરીશ કે તમને કદાચ મળીશ પણ નહિ.’ જોકે, આ મેસેજ કર્યા બાદ સોનલબેનનો ફોન સ્વીચ ઓફ થઇ ગયો છે.

શોધખોળ બાદ પણ તેમનો કોઇ પત્તો નથી

દુધરેજ પાસેની કેનાલમાં સતત શોધખોળ બાદ પણ તેમની ભાળ ન મળતા હાલ સોનલબેન ક્યાં છે તે એક રહસ્ય બની ગયું છે. હાલ પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી છે.

Related Articles

Back to top button