અજબ પ્રેમ કહાની: લૉકડાઉનમાં યુવતી થઈ ગુમ, તપાસ કરી તો PSI સાથે જ લગ્ન કર્યા હતા
અમદાવાદ: લોકડાઉન સમયે એક યુવતી પોષ વિસ્તારમાંથી ગુમ થઈ હોવાની જાણવાજોગ એક પોલીસસ્ટેશનમાં આવી હતી. એ અરજીની પોલીસ તપાસ કરતી હતી ત્યારે જ એક વાયરલેસ પીએસઆઇનો જે તે પોલીસસ્ટેશનમાં ફોન આવ્યો હતો. અને તેમણે કહ્યું કે આ અરજીમાં જે યુવતીની વાત છે તેની સાથે તેમણે લગ્ન કરી લીધા છે. આટલું જ સાંભળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અને તેઓને નિવેદન લેવા બોલાવી બંનેના પરિવાર રાજી થતા જાણવાજોગ ની તપાસ નિવેદનો લઈને પૂર્ણ કરવામાં આવી હતી.
શહેરમાં મહિલાઓ અને બાળકો ગુમ થયા બાબતે જે કેસમાં ગુમ થનાર ન મળ્યા હોય તે બાબતે તે કેસના કાગળો સાથે આજે શહેરના પોલીસ સ્ટેશનોના પોલીસ ઇન્સ્પેક્ટરોની મીટિંગ રાખવામાં આવી હતી. ત્યારે બીજીતરફ એવી કહાની સામે આવી હતી કે એક યુવતી ગુમ થયાની જાણવાજોગ આવી તેમાં તેણે એક પોલીસ અધિકારી સાથે જ લગ્ન કર્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ વાત એમ છે કે લોકડાઉનના સમયમાં શહેરના પોષ વિસ્તારમાંથી એક 23 વર્ષીય યુવતી ગુમ થઈ ગઈ હતી. તેના પરિવારજનો દ્વારા આ બાબતે પોલીસને જાણ કરાતા પોલીસે જાણવાજોગ લઈને તપાસ શરૂ કરી હતી. હજુ પોલીસ આ બાબતે તપાસ કરતી હતી ત્યાં દસેક દિવસમાં અમદાવાદ નજીકમાં ફરજ બજાવતા એક વાયરલેસ પોલીસ સબ ઇન્સ્પેકટરનો ફોન આવ્યો હતો.
તેમણે આ જાણવાજોગ બાબતે પૂછપરછ કરી હતી. જેમાં સામે તેમણે જણાવ્યું કે તેઓએ જ તે યુવતી સાથે લગ્ન કરી લીધા છે. બસ, પછી તો પોલીસે પણ તે અધિકારીને બોલાવી તેમનું નિવેદન લીધું હતું. બીજીબાજુ યુવતીના પરિવારને પણ બોલાવી તેઓ શુ માને છે એ બાબતે પૂછીને તેઓ પણ રાજી હોવાનું જણાવતા પોલીસે આ મામલે અરજીના નિવેદનો નોંધી તપાસ પૂર્ણ કરી હતી.