કોરોનાની મહામારી વચ્ચે હવે મોંઘવારીનો માર, સતત છઠ્ઠા દિવસ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
અમદાવાદ : એક તરફ લોકો કોરોનાની મહામારી ને લઈને પરેશાન છે ત્યારે હવે પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel Price)ના ભાવ વધારા સ્વરૂપે લોકો પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. છેલ્લા છ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લીટરદીઠ ત્રણ રૂપિયા જેટલો વધારો થયો છે. ક્રૂડ ઓઇલના ભાવ (Crude Oil Price) 40 ડોલરની આસપાસ પહોંચી જતાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એ સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આ ભાવ વધારાની સીધી અસર સામાન્ય લોકો પર પડી રહી છે. એક તરફ કોરોનાને કારણે લૉકડાઉન માં છૂટછાટ મળી છે ત્યારે શાકભાજીથી લઈને તમામ જીવનજરૂરી વસ્તુઓના ભાવ વધી ગયા છે, ત્યારે સતત વધી રહેલા પેટ્રોલના ભાવથી મધ્યમ વર્ગ પીડાઈ રહ્યો છે.
80 દિવસ સુધી ભાવમાં કોઈ વધારો નહીં
કોરોના વાયરસની મહામારી દરમિયાન ક્રૂડ ઓઇલનો ભાવ પાણી કરતા પણ ઓછો થઈ ગયો હતો. આ સમયે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ભાવમાં કોઈ ઘટાડો કર્યો ન હતો. સામા પક્ષે માંગ ન હોવાથી ભાવમાં કોઈ વધારો પણ કર્યો ન હતો. પરંતુ હવે ક્રૂડ ઓઇલના ભાવ વધતા જ સતત 80 દિવસ સુધી સ્થિર રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે.
ગુજરાતના કયા શહેરમાં કેટલો ભાવ?
1) સુરતમાં આજનો પેટ્રોલ ભાવ 70.20 રૂપિયા છે. ગતરોજ ભાવ 69.66 રૂપિયા હતો, એટલે કે ભાવમાં લીટર દીઠ 54 પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલનો આજનો ભાવ 68.35 રૂપિયા છે, ગતરોજ લીટર દીઠ ભાવ ભાવ 67.79 રૂપિયા હતો. એટલે કે ડીઝલના ભાવમાં 38 પૈસાનો વધારો થયો છે.2) વડોદરામાં આજનો પેટ્રોલનો ભાવ 69.97 રૂપિયા છે. ગઈકાલે ભાવ 69.44 રૂપિયા હતો. એટલે કે પેટ્રોલની કિંમતમાં લીટર દીઠ 53 પૈસાનો વધારો થયો છે. ડીઝલની વાત કરવામાં આવે તો આજનો ભાવ 68.10 રૂપિયા છે. ગઈકાલે ભાવ 67.55 રૂપિયા હતો. એટલે કે ભાવમાં 55 પૈસાનો વધારો થયો છે.
3) રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારે થતાં મધ્યવર્ગનું બજેટ ખોરવાયું છે. ગઈકાલે પેટ્રોલનો ભાવ 69.55 રૂપિયા હતો. આજનો ભાવ 70.05 રૂપિયા થયો છે. એટલે કે 50 પૈસાનો વધારો થયો છે.
4) અમદાવાદમાં છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજે પેટ્રોલનો ભાવ 70. 28 રૂપિયા અને ડીઝલનો ભાવ 68.41 રૂપિયા પ્રતિ લીટર છે.