‘અમે યુદ્ધમાં સામેલ નહીં થઈએ, હોર્મુઝની નાકાબંધી કરવાના પક્ષમાં નથી’, UK PMનો અમેરિકાને જવાબ | UK Will Not Support Blockade of Strait of Hormuz Declares PM Keir Starmer

![]()
PM Keir Starmer Big Statement: બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે સ્પષ્ટ કર્યું છે કે તેમનો દેશ હોર્મુઝની કોઈપણ પ્રકારની નાકાબંધી કે બ્લોકેડને ટેકો આપશે નહીં. સ્ટાર્મરે આંતરરાષ્ટ્રીય જળસીમામાં જહાજોની મુક્ત અવરજવર જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આ વિસ્તાર વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠા માટે અત્યંત મહત્ત્વનો છે અને કોઈપણ અવરોધ વિશ્વના અર્થતંત્રને ભારે નુકસાન પહોંચાડી શકે છે.
પેટ્રોલ-ડીઝલને લઈને બ્રિટનનો મોટો નિર્ણય
હાલ હોર્મુઝને લઈને અમેરિકાએ નાકાબંધીની જાહેરાત કરી છે ત્યારે બ્રિટન દ્વારા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કેટલાક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, બ્રિટનમાં પેટ્રોલ-ડીઝલ પર ટેક્સમાં અંદાજિત પ્રતિલિટર 17 £(પેન્સ)નો કાપ મૂકાયો છે. આ કાપ 2 મહિના માટે લાગુ રહેશે.
હોર્મુઝમાં અવરોધ થશે તો ઈંધણના ભાવ પર અસર પડશે: કીર સ્ટાર્મર
બ્રિટિશ વડાપ્રધાને કહ્યું કે, ‘કોઈપણ દબાણમાં યુદ્ધમાં સામેલ નહીં થઈએ. હોર્મુઝ ખુલ્લો રહેવો જોઈએ. હોર્મુઝ બંધ કરવાના પક્ષમાં નથી.’ વડાપ્રધાન સ્ટાર્મરે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે મિડલ ઈસ્ટમાં તણાવ સતત વધી રહ્યો છે. તેમણે સમજાવ્યું કે બ્રિટન હંમેશા આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને જળમાર્ગોની સુરક્ષાનું પક્ષધર રહ્યું છે. જો હોર્મુઝમાં કોઈ અવરોધ પેદા થાય, તો તેની સીધી અસર ઊર્જાના ભાવ પર પડશે, જે બ્રિટન સહિત વિશ્વના તમામ દેશોના સામાન્ય નાગરિકો માટે મોંઘવારીમાં વધારો કરી શકે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે યુદ્ધ કે નાકાબંધી એ કોઈ ઉકેલ નથી. બ્રિટન આ ક્ષેત્રમાં સ્થિરતા લાવવા માટે તેના સાથી દેશો અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. સ્ટાર્મરના મતે, સમુદ્રમાં વેપારી જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ માત્ર લશ્કરી બાબત નથી, પરંતુ તે વૈશ્વિક બજારની સ્થિરતા માટે અનિવાર્ય છે.
આ પણ વાંચો: ‘અમેરિકાને લાઈન પર લાવો…’, ઈરાને ભારત સહિતની ત્રણ મહાશક્તિઓ પાસે માગી મદદ
હોર્મુઝનું મહત્ત્વ
અત્રે ઉલ્લેખનીય છે કે હોર્મુઝ જળમાર્ગ એ ઈરાન અને ઓમાનની વચ્ચે આવેલો સાંકડો જળમાર્ગ છે, જે વિશ્વના કુલ તેલ વેપારના આશરે 20 ટકા હિસ્સા માટે જવાબદાર છે. ઈરાન ભૂતકાળમાં અનેકવાર આ માર્ગ બંધ કરવાની ધમકી આપી ચૂક્યું છે, જેને કારણે આ વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જાતી રહે છે. બ્રિટનનું આ નવું વલણ એ સંકેત આપે છે કે તેઓ આ વિવાદમાં સીધી લશ્કરી નાકેબંધીના પક્ષમાં નથી.



