સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર | bollywood asha bhosle funeral live updates shivaji park Asha Bhosle songs

Asha Bhosle Funeral: દિગ્ગજ ગાયિકા આશા ભોસલેની અંતિમ સફર શરૂ થઈ ગઈ છે. મુંબઈના શિવાજી પાર્કમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સવારે તેમના નશ્વર દેહને અંતિમ દર્શન માટે મુંબઈ સ્થિત નિવાસસ્થાન ‘કાસા ગ્રાન્ડ’ ખાતે રાખવામાં આવ્યો હતો. જ્યાં અનેક બૉલીવુડ અને રાજકીય હસ્તીઓએ તેમણે શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. તેમને તિરંગામાં લપેટીને સલામી આપવામાં આવી હતી.
Asha Bhosle Funeral Live Updates
અંતિમ સફર પર નીકળી આશા તાઈ
ગાયિકા આશા ભોસલે તેમની અંતિમ સફર પર નીકળ્યા છે, ફૂલોથી સજાવેલા મોક્ષ રથમાં તેમના પાર્થિવ દેહને સ્મશાન ઘાટની તરફ લઈ જવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં તેમના ચાહકો અને બૉલીવુડ જગતના કલાકારો અંતિમ યાત્રામાં જોડાયા છે.
મોક્ષ રથને તેમના પસંદના ફૂલોથી શણગારવામાં આવ્યો
તેમની અંતિમ યાત્રા માટે ‘મોક્ષ રથ’ સજાવવામાં આવ્યો છે. આશા તાઈને સફેદ અને પીળા રંગના ફૂલો પસંદ હતા, તેથી મોક્ષ રથને રજનીગંધા અને ગલગોટાના પીળા ફૂલોથી શણગારવામાં આવ્યો છે. આશા ભોસલેએ તેમની 82 વર્ષના સિંગિંગ કરિયરમાં 9 ફિલ્મફેર સહિત 100થી વધુ એવોર્ડ જીત્યા હતા. તેમને દેશના બીજા સૌથી મોટા નાગરિક સન્માન ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરશે મહારાષ્ટ્ર સરકાર
મહારાષ્ટ્ર કેબિનેટે આશા ભોસલેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમની અમર વિરાસતને સન્માન આપવા માટે કેબિનેટે તેમના નામે એક ચેરિટેબલ ટ્રસ્ટ અથવા સામાજિક સંસ્થા સ્થાપવાના પ્રસ્તાવને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ આશા ભોસલેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ઝનાઈના માનીતા ભાઈ ક્રિકેટર સિરાજે શ્રદ્ધાંજલિ આપી
ઝનાઈ ભોસલેના માનીતા ભાઈ અને ક્રિકેટર મોહમ્મદ સિરાજ પણ આશા ભોસલેને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. ભાઈને જોઈને જનાઈ તેમને ભેટીને રડી પડી હતી. આ દરમિયાન સિરાજે ઝનાઈને સંભાળી હતી.
92 વર્ષની વયે નિધન
રવિવાર 12 એપ્રિલના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 92 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. શનિવારે રાત્રે તેમને શ્વાસ લેવામાં તકલીફ બાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા.
માત્ર 10 વર્ષની ઉંમરે શરૂ કરી હતી સંગીત સફર
ભારતીય સિનેમાના સૌથી સફળ અને લોકપ્રિય ગાયિકા આશા ભોસલેનું સંગીત જગતમાં કદ તેમની મોટી બહેન સ્વ. લતા મંગેશકર જેટલું જ ઊંચું હતું. વર્ષ 1933માં સંગીત પ્રેમી મંગેશકર પરિવારમાં જન્મેલા આશા તાઈએ માત્ર દસેક વર્ષની ઉંમરે ગાયકીની શરૂઆત કરી હતી. 1943માં પ્રથમ ગીત રેકોર્ડ કર્યા બાદ, 50ના દાયકા સુધીમાં તેમણે બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી હતી. શરૂઆતમાં તેમને માત્ર કેબરે ગીતો માટે જ ઓળખવામાં આવતા હતા, પરંતુ ‘ઉમરાવ જાન’ની ગઝલો ગાઈને તેમણે સાબિત કરી દીધું કે તેઓ દરેક પ્રકારના ગીતોમાં માહેર છે. તેમને 7 ફિલ્મફેર એવોર્ડ અને ‘દિલ ચીઝ ક્યા હૈ’ તેમજ ‘મેરા કુછ સામાન’ ગીતો માટે બે નેશનલ એવોર્ડ મળ્યા હતા.
20થી વધુ ભાષા અને 12,000 ગીતો ગાવાનો અદભૂત રેકોર્ડ
ભારતીય સંગીત જગતના દિગ્ગજ ગાયિકા આશા ભોસલેએ માત્ર 10 વર્ષની નાની ઉંમરે 1943માં મરાઠી ફિલ્મ ‘માઝા બાલ’ના ગીત ‘ચલા ચલા નવબાલા’ દ્વારા ગાયકીની સફર શરૂ કરી હતી, જ્યારે હિન્દી સિનેમામાં તેમને 1948માં ફિલ્મ ‘ચુનરિયા’ના ગીત ‘સાવન આયા રે’થી સફળતા મળી હતી. આશા તાઈએ ફિલ્મ સંગીત, પૉપ, ગઝલ અને શાસ્ત્રીય સંગીત જેવી વિવિધ શૈલીઓમાં 20થી વધુ ભાષાઓમાં 12,000થી વધુ ગીતો ગાઈને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
ગિનીઝ બુક અને ગ્રેમી નોમિનેશન મેળવનારા પ્રથમ ભારતીય ગાયિકા
તેમની અદભૂત કારકિર્દી દરમિયાન તેમને અનેક પ્રતિષ્ઠિત સન્માન મળ્યા છે, જેમાં વર્ષ 2000માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને 2008માં પદ્મ વિભૂષણનો સમાવેશ થાય છે. વર્ષ 1997માં તેઓ ગ્રેમી એવોર્ડ માટે નામાંકિત થનારા પ્રથમ ભારતીય ગાયિકા બન્યાં હતાં, જ્યારે 2011માં તેમનું નામ સૌથી વધુ સ્ટુડિયો રેકોર્ડિંગ માટે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું હતું. સંગીત ક્ષેત્રે તેમનું પ્રદાન હંમેશા મહત્ત્વનું રહેશે.



