અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ CENTCOM એ હોર્મુઝની નાકાબંધી કર્યાની જાહેરાત કરી, દુનિયા ટેન્શનમાં | US Blockades Iranian Ports: Hormuz Crisis Deepens April 2026

US Blockades Iranian Ports: વૈશ્વિક તેલ પુરવઠા માટે અત્યંત મહત્વના ગણાતા ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) પર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) સત્તાવાર જાહેરાત કરી છે કે, 13 એપ્રિલ (સોમવાર) ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યાથી ઈરાની બંદરોની સંપૂર્ણ નાકેબંધી કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકન નૌસેના હવે એક્શન મોડમાં આવી ગઈ છે.
શું છે અમેરિકાનો આદેશ?
CENTCOM એ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે, ઈરાની બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આવતા-જતા તમામ દેશોના જહાજો વિરુદ્ધ આ નાકેબંધી નિષ્પક્ષ રીતે લાગુ કરવામાં આવશે. જેમાં અરબની ખાડી અને ઓમાનની ખાડીના કિનારાની સુવિધાઓનો પણ સમાવેશ થાય છે. જોકે, ગેર-ઈરાની બંદરો તરફ જતા જહાજોની અવરજવર પર કોઈ રોક નહીં હોય, પરંતુ વ્યાપારી જહાજોને સતત અમેરિકન નૌસેનાના સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી છે.

શા માટે લેવાયો આ કડક નિર્ણય?
ટ્રમ્પે રવિવારે ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને સંકેત આપ્યા હતા કે અમેરિકા ‘અવૈધ ટોલ’ વસૂલતા જહાજોને રોકશે. આ પાછળનું મુખ્ય કારણ ‘પેટ્રોડોલર’ (Petrodollar) સિસ્ટમ સામેનો પડકાર હોવાનું મનાય છે. અહેવાલો મુજબ, ઘણા જહાજો અમેરિકન પ્રતિબંધોથી બચવા માટે ચીની કરન્સી ‘યુઆન’ નો ઉપયોગ કરી રહ્યા હતા, જેને રોકવા વોશિંગ્ટને ચીન અને ઈરાન બંને સામે કડક વલણ અપનાવ્યું છે.
ઈરાનની વળતી ધમકી
બીજી તરફ, ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સે પણ ચેતવણી આપી છે કે જો હોર્મુઝ સ્ટ્રેટ પાસે અમેરિકી સૈન્ય જહાજો આવશે, તો હાલમાં અમલી ‘સીઝફાયર’ (યુદ્ધવિરામ) તોડી નાખવામાં આવશે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ ધમકી સામે નમશે નહીં અને પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે પલટવાર કરશે.



