दुनिया

શાંતિ મંત્રણામાં વિલન બન્યું ઇઝરાયલ? નેતન્યાહૂના ફોન કૉલે 21 કલાકની મહેનત પર ફેરવ્યું પાણી | Inside Story of US Iran Talk Failure: Netanyahu’s Phone Call to JD Vance



 

Inside Story of US-Iran Talk Failure: પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલેલી 21 કલાકની મેરેથોન મંત્રણા કેમ કોઈ નિષ્કર્ષ વગર પૂરી થઈ, તે અંગે ઈરાને ચોંકાવનારો દાવો કર્યો છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ જણાવ્યું છે કે, જ્યારે મંત્રણા ચાલી રહી હતી ત્યારે અમેરિકન પ્રતિનિધિ જેડી વેન્સને ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુનો ફોન આવ્યો અને ત્યારબાદ આખી વાતચીત પાટા પરથી ઉતરી ગઈ હતી.

નેતન્યાહુના ફોનથી બદલાયો સુર

ઈરાનનો દાવો છે કે નેતન્યાહુના ફોન બાદ અમેરિકન પ્રતિનિધિમંડળનું ધ્યાન ઈરાન સાથેની શાંતિ મંત્રણા પરથી હટીને ઇઝરાયલના હિતો પર કેન્દ્રિત થઈ ગયું હતું. ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, “અમેરિકાએ વાતચીતની મેજ પર એ બધું હાંસલ કરવાનો પ્રયાસ કર્યો જે તે યુદ્ધ દ્વારા મેળવી શક્યું નહોતું.” ઈરાન મુજબ, તેઓ આ મંત્રણામાં સાચી અને સારી ભાવના સાથે જોડાયા હતા, પરંતુ અમેરિકાની ‘અત્યંત માંગણીઓ’ ને કારણે અંતે સમજૂતી થઈ શકી નહીં.

‘અમેરિકા ભરોસો જીતવામાં નિષ્ફળ’

ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકેર ગલિબાફે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ઈરાને ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઘણી નવી પહેલ કરી હતી, પરંતુ અમેરિકા તેમનો ભરોસો જીતવામાં નિષ્ફળ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, “અગાઉના બે યુદ્ધોના અનુભવને કારણે અમે બીજા પક્ષ (અમેરિકા) પર સહેલાઈથી ભરોસો કરી શકતા નથી.” ઈરાની ન્યૂઝ એજન્સી તસનીમ મુજબ, અમેરિકાનો ઈરાદો હોર્મુઝ સ્ટ્રેટ અને ઈરાનમાંથી પરમાણુ સામગ્રી હટાવવાનો હતો, જેને ઈરાની ટીમે સફળ થવા દીધો નથી.

ટ્રમ્પનો વળતો પ્રહાર

બીજી તરફ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમની કડક ધમકીઓને કારણે જ ઈરાન વાતચીતની મેજ પર આવ્યું હતું. ટ્રમ્પે ‘ફોક્સ ન્યૂઝ’ ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, “મારું અનુમાન છે કે તેઓ ફરીથી વાતચીત કરવા આવશે અને અમે જે ઈચ્છીએ છીએ તે બધું જ અમને આપશે.” હાલમાં વોશિંગ્ટન દ્વારા નેતન્યાહુના ફોન કોલ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ ઈરાનના આ દાવાએ ભૂ-રાજકીય ગરમાવો વધારી દીધો છે.



Source link

Related Articles

Back to top button