ગોધાવીની જમીનના મામલે પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની ધરપકડ | Ahmedabad rural police nabbed Dashrath patel in land scam

અમદાવાદ,રવિવાર
બનાવટી દસ્તાવેજો અને ગુંડાગીરી કરીને અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાની જમીન હડપ કરનાર પોપ્યુલર બિલ્ડરના દરશથ પટેલની અમદાવાદ ગ્રામ્ય પોલીસે શ્રીનાથજીથી ધરપકડ કરી છે. ગોધાવીમાં આવેલી જમીન ભૂતિયા નામની વારસાઇના બનાવીને હડપ કરવામાં આવી હતી. આ કેસમાં અગાઉ દશરથ પટેલની પણ ધરપકડ થઇ ચુકી છે. સોલામાં રહેતા રામકૃષ્ણ આચાર્યએ સપ્ટેમ્બર ૨૦૨૨માં બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમના દાદા શત્રુઘ્નદાસ આચાર્યના નામે ગોધાવી અને ઘુમામાં જમીન આવેલી હતી. વર્ષ ૧૯૫૧માં શત્રુઘ્નદાસ આચાર્યનું અવસાન થતા ઘુમાની જમીનમાં વારસાઇમાં રામકૃષ્ણ આચાર્યના પિતા ગોરધનદાસનું નામ ઉમેરાયુ હતું. પરંતુ, શરતચૂકથી ગોધાવીની જમીનમાં તેમનું નામ ઉમેરવાનું રહી ગયું હતું.
આ બાબતની જાણ થતા રામકૃષ્ણભાઇએ જમીનના રેવન્યુ રેકર્ડના કાગળો તપાસ્યા ત્યારે તે ચોંકી ઉઠયા હતા. કારણ કે આ જમીનમાં તેમના પિતાનું નામ નહી પણ સરયુદાસનું નામ હતુ. જેથી તપાસ કરતા એવી વિગતો જાણવા મળી હતી કે સરયુદાસ નામની વ્યક્તિનું અસ્તિત્વ જ નહોતુ અને કોઇ બનાવટી દસ્તાવેજથી નામ ઉમેરાયુ હતું.
આ મામલે તેમણે સઘન તપાસ કરાવતા પોપ્યુલર બિલ્ડરના રમણ અને દશરથ પટેલે સાથે મળીને જમીનના વારસાઇમાં સરયુદાસનું નામ ઉમેર્યુ હતુ અને જમીન તેની પાસેથી વેચાણે લીધાના દસ્તાવેજ બનાવ્યા હતા. ફોરેન્સીક તપાસમાં બનાવટી દસ્તાવેજનું બહાર આવતા આ અંગે બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા અગાઉ રમણ પટેલની ધરપકડ થઇ હતી. જ્યારે દશરથ પટેલ નાથદ્વારામાં છુપાયો હોવાની બાતમી લોકલ ક્રાઇમબ્રાંચના પીઆઇ આર એન કરમટિયાને મળી હતી.જેના આધારે વોચ ગોઠવીને તેને ઝડપી લેવાયો હતો. સોમવારે તેને કોર્ટમાં રિમાન્ડ માટે બોપલ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવશે.


