16 વર્ષની ઉંમરમાં લગ્ન, પુત્રીનો આપઘાત અને પુત્રનું મોત… સંઘર્ષો વચ્ચે જીવનભર અડગ રહ્યાં આશા ભોસલે | asha bhosle life story marriage struggle children death domestic violence tragedy

Asha Bhosle Death: ભારતીય સંગીત જગત માટે આજે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સુરોની મલિકા ગણાતા અને હજારો ગીતો દ્વારા ઇતિહાસ રચનાર દિગ્ગજ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નાજુક હોવાને કારણે તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 12 એપ્રિલના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની વિદાય સાથે ભારતીય સંગીતના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. જોકે તેમનું વ્યાવસાયિક કરિયર જેટલું સફળ રહ્યું, તેમની અંગત જિંદગી એટલી જ સંઘર્ષ અને ઉતાર-ચઢાવથી ભરેલી રહી હતી.
પિતાનું નિધન અને બાળપણનો સંઘર્ષ
આશા ભોસલેનો જન્મ 1933માં મહારાષ્ટ્રના સાંગલીમાં થયો હતો. સંગીતના સંસ્કારો તેમને પિતા દીનાનાથ મંગેશકર પાસેથી વારસામાં મળ્યા હતા, પરંતુ જ્યારે તેઓ માત્ર 10 વર્ષના હતા ત્યારે પિતાનું નિધન થતા પરિવારની જવાબદારી તેમના અને મોટી બહેન લતા મંગેશકરના ખભા પર આવી ગઈ હતી. આ નાની ઉંમરે જ તેમણે પરિવારના ભરણપોષણ માટે ગાવાનું શરૂ કર્યું હતું. આર્થિક સંકડામણ અને જવાબદારીઓએ તેમને નાનપણથી જ મજબૂત બનાવી દીધા હતા.
10 વર્ષની ઉંમરે સંગીત સફરની શરૂઆત
તેમની અંગત જિંદગીના નિર્ણયો પણ ઘણા પડકારજનક રહ્યા હતા. માત્ર 16 વર્ષની ઉંમરે તેમણે પરિવારની મરજી વિરુદ્ધ જઈને પોતાનાથી 15 વર્ષ મોટા ગણપતરાવ ભોસલે સાથે ભાગીને લગ્ન કર્યા હતા. કમનસીબે, આ લગ્નજીવન સુખદ ન રહ્યું અને તેમને સાસરીમાં ઘરેલું હિંસાનો સામનો કરવો પડ્યો. સ્થિતિ એટલી હદે વણસી હતી કે પ્રેગ્નેન્સી દરમિયાન જ તેમને પતિનું ઘર છોડીને બાળકો સાથે પિયર પરત ફરવું પડ્યું હતું. ત્યારબાદ તેમણે એકલા હાથે બાળકોના ઉછેરની જવાબદારી ઉપાડી હતી.
કુદરતની આકરી કસોટી
જીવનના સંઘર્ષો અહીં જ અટક્યા નહોતા. સંતાનોના સુખમાં પણ કુદરતે તેમની આકરી કસોટી કરી હતી. વર્ષ 2012માં તેમની પુત્રી વર્ષા ભોસલેએ આત્મહત્યા કરી લીધી હતી, જ્યારે 2015માં તેમના મોટા પુત્ર હેમંત ભોસલેનું કેન્સરને કારણે અવસાન થયું હતું. આ બંને ઘટનાઓએ તેમને અંદરથી હચમચાવી દીધા હતા. જોકે, આટલા ઊંડા જખમ હોવા છતાં તેમણે હિંમત હાર્યા વગર પોતાનું કામ ચાલુ રાખ્યું હતું.
આ પણ વાંચો: સંગીતની ‘આશા’ અમર થઈ: સિંગર આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, સંગીત જગતમાં શોકનું મોજું
અવિરત સફર અને ચાહકોનું અતૂટ વ્હાલ
સંગીતની દુનિયામાં કામ કરતી વખતે તેમને આર.ડી. બર્મન(પંચમ દા)નો સાથ મળ્યો અને પ્રથમ લગ્નના બે દાયકા બાદ તેમણે ફરી લગ્ન કર્યા. આ જોડીએ સંગીત જગતને અનેક યાદગાર ગીતો આપ્યા, પરંતુ પંચમ દાના અકાળ અવસાનથી તેઓ ફરી એકલા પડી ગયા હતા. આમ, અનેક વિઘ્નો અને અંગત દુઃખો વચ્ચે પણ આશા ભોસલેએ પોતાની ગાયકીનો જાદુ ઓઝલ થવા દીધો નહીં અને કરોડો ચાહકોના દિલમાં અનોખું સ્થાન બનાવ્યું.




