ઈસ્લામાબાદ મંત્રણા નિષ્ફળ: અમેરિકા-ઈરાન વચ્ચે 21 કલાકની ચર્ચા બાદ પણ સમજૂતી ન થઈ | Islamabad Talks Fail: US Delegation Returns Without Deal After 21 Hour Marathon

![]()
Islamabad Talks Fail: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી હાઈ-વોલ્ટેજ શાંતિ મંત્રણા કોઈ પણ નક્કર પરિણામ વગર સમાપ્ત થઈ છે. 21 કલાક સુધી ચાલેલી ગહન ચર્ચા બાદ અમેરિકી પ્રતિનિધિમંડળે સ્પષ્ટ કર્યું છે કે ઈરાને તેમની શરતો સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે, જેના કારણે અમેરિકન ટીમ હવે સમજૂતી વિના જ સ્વદેશ પરત ફરી રહી છે.
અમેરિકાનો ‘અંતિમ અને શ્રેષ્ઠ’ પ્રસ્તાવ
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઇસ્લામાબાદમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, “અમે ખુલ્લા મને મંત્રણા માટે આવ્યા હતા અને અમારો ‘અંતિમ અને સર્વશ્રેષ્ઠ પ્રસ્તાવ’ રજૂ કર્યો હતો. સારી વાત એ છે કે ઘણા મુદ્દાઓ પર સાર્થક ચર્ચાઓ થઈ, પરંતુ ખરાબ સમાચાર એ છે કે અમે કોઈ સમજૂતી સુધી પહોંચી શક્યા નથી. મારો વિશ્વાસ છે કે આ સમાચાર અમેરિકા કરતા ઈરાન માટે વધુ ચિંતાજનક છે.”
પરમાણુ હથિયારો પર પેચ ફસાયો
આ વાર્તામાં અમેરિકાની સૌથી કડક શરત પરમાણુ કાર્યક્રમને લઈને હતી. અમેરિકાએ એવી ગેરંટી માંગી હતી કે ઈરાન ભવિષ્યમાં ક્યારેય પરમાણુ હથિયાર બનાવવાનો પ્રયાસ નહીં કરે. વેન્સે કડક લહેજામાં કહ્યું કે, “અમે અમારી ‘રેડ લાઈન્સ’ સ્પષ્ટ કરી દીધી છે. કઈ બાબતો પર સમજૂતી થઈ શકે અને કઈ બાબતો પર બિલકુલ નહીં, તે અમે કહી દીધું હતું. ઈરાની પ્રતિનિધિમંડળે અમારી શરતો ન સ્વીકારવાનો વિકલ્પ પસંદ કર્યો છે.”
ઈરાનનો પ્રતિસાદ: “અમેરિકાની વધુ પડતી માંગણીઓ અવરોધરૂપ”
બીજી તરફ, ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી તસનીમના જણાવ્યા અનુસાર, અમેરિકાની અતિશય અને અતાર્કિક માંગણીઓને કારણે કોઈ કોમન ફ્રેમવર્ક તૈયાર થઈ શક્યું નથી. ઈરાનનું માનવું છે કે અમેરિકાએ સમજૂતીમાં અવરોધ ઊભા કર્યા છે.
શાંતિની આશાને મોટો ઝટકો
હોર્મુઝની સામુદ્રધુનીમાં ચાલી રહેલા તણાવ અને તેલના પુરવઠાના જોખમ વચ્ચે આ શાંતિ મંત્રણા પર આખી દુનિયાની નજર હતી. પરંતુ જેડી વેન્સના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે હાલ પૂરતી શાંતિની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને અગાઉથી જ ચેતવણી આપી હતી કે જો ઈરાન શરતો નહીં માને તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.



