‘હજુ ખરાબ દિવસો આવવાના બાકી…’ અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે વર્લ્ડ બેન્કની ચેતવણી | World Bank warns of worse times ahead amid US Iran war

![]()
World Bank warning : અમેરિકા-ઇરાન યુદ્ધે આખા વિશ્વની સ્થિતિ ખરાબ કરી છે. ક્રૂડ ઓઇલના ભાવ એક મહિના કરતાં પણ વધુ સમયથી પ્રતિ બેરલ 100 ડોલરથી ઉપર છે. તેના લીધે વિશ્વભરના શેરબજારોમાં ઘટાડો થયો છે. આ સમયે વિશ્વબેન્કે મોટી ચેતવણી જારી કરી છે.
વિશ્વ બેન્કના પ્રમુખ અજય બંગાએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે હજી સુધી તો કશું જ થયું નથી તેમ કહી શકાય. ખરાબ સમય આવવાનો બાકી છે. તેમણે જણાવ્યું હતું કે યુદ્ધ પૂરુ થયા પછી પરિસ્થિતિ વધુ ખરાબ થવાની છે. યુદ્ધ પૂરુ થયા પછી પણ તેના કારણે થયેલું નુકસાન લાંબા સમય સુધી રહી શકે છે. તેમણે જણાવ્યું હતું કે તત્કાળ અને સ્થાયી યુદ્ધવિરામ પણ અર્થતંત્રોમાં આવનારી મંદીને રોકી નહીં શકે.
જો યુદ્ધવિરામ કાયમ રહે છે તો વૈશ્વિક વિકાસમાં 0.3 થી 0.4 ટકાનો ઘટાડો આવી શકે છે. જો યુદ્ધવિરામ તૂટી જાય છે તો આ ઘટાડો એક ટકા સુધી પહોંચી શકે છે. તેનો વ્યાપક પ્રભાવ વેપાર, ઉર્જાબજારો અને નાણાકીય વ્યવસ્થા પર પડશે.
તેમણે જણાવ્યું હતું કે મોંઘવારીનું દબાણ પણ વધવાની સંભાવના છે. બંગાએ સંકેત આપ્યો હતો કે યુદ્ધવિરામની સ્થિતિમાં વૈશ્વિક મોંઘવારી દર 200થી 300 બેસિસ પોઇન્ટ વધી શકે છે. જો યુદ્ધ લાંબુ ખેંચાય તો આ મોંઘવારીમાં 0.9 ટકા સુધીનો વૃદ્ધિ થઈ શકે છે. વિકાસશીલ અર્થતંત્રોમાં સ્થિતિ વધુ ગંભીર થતી જોઈ શકાય છે. અહીં ખરાબમાં ખરાબ સ્થિતિમાં મોંઘવારી 6.7 ટકા થઈ શકે છે.
વિશ્વ બેન્કે ઉર્જા આયાત પર અવલંબન ધરાવતી આઇલેન્ડ ઇકોનોમીઓ સહિત સંવેદનશીલ દેશોની સાથે ઇમરજન્સી સહાયતાના માધ્યમથી ઇમરજન્સી ફંડ પૂરુ પાડવા વાતચીત શરૂ કરી દીધી છે. જો કે બંગાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે સરકારોએ આ સ્થિતિમાં ઉર્જા સબસિડીમાં ના ફસાવવું જોઈએ, જે પછી રાજકોષીય અસ્થિરતા પેદા કરે.



